Amreli Local Body Election : અમરેલી નગરપાલિકામાં દેરાણી-જેઠાણી ચૂંટણીના મેદાનમાં
અમરેલી જિલ્લામાં નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે શહેરના વોર્ડ નંબર 9માં દેરાણી અને જેઠાણીએ ચૂંટણી જંગમાં ઝંપલાવતા આ બેઠક પર તમામની નજર મંડાઈ છે. વોર્ડ નંબર 9માં જેઠાણી રેણુકાબેન સોલંકી ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે, જ્યારે તેમની દેરાણી કાજલબેન સોલંકી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. એક જ પરિવારની બે મહિલાઓ અલગ-અલગ પક્ષમાંથી આમને-સામને ચૂંટણી લડતા આ મુકાબલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.બંને ઉમેદવારોએ વિધિવત રીતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન બંને પક્ષોના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેના કારણે કચેરી વિસ્તારમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.બંને ઉમેદવારો પોતાના-પોતાના પક્ષના સમર્થન સાથે જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે. વોર્ડ નંબર 9ની આ અનોખી ટક્કર હવે મતદારો માટે રસપ્રદ બની. એક જ પરિવારની દેરાણી-જેઠાણી વચ્ચેનો આ મુકાબલો માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક સ્તરે પણ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.


















