Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
પંજાબના ભઠિંડામાં સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠાના એક જ પરિવારના પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠાનો આ પરિવાર શિમલાના પ્રવાસે ગયો હતો અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે ભઠિંડા પાસે નેશનલ હાઈવે પર ગાઢ ધૂમ્મસના કારણે તેમની કાર રોડ પરના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મૃતકોમાં બનાસકાંઠામાં ફરજ બજાવતા એક લેડી કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે તમામ મૃતકોની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. વેકેશન માણીને હર્ષોલ્લાસ સાથે પરત ફરી રહેલા પરિવારના સામૂહિક મોતથી બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને મૃતકોના વતનમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. હાલ પંજાબ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, ભટિંડા-બિકાનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત થયો. ગાઢ ધુમ્મસને કારણે થયેલા આ દુ:ખદ અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. ગુજરાતથી ફરવા ગયેલા પરિવારની ફોર્ચ્યુનર ગુરથડી ગામ નજીક કાબુ ગુમાવીને ડિવાઇડર સાથે અથડાઈ ગઈ, જેમાં પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.


















