Gujarat BJP President: રેલી સ્વરૂપે જગદીશ વિશ્વકર્મા પોતાના નિવાસસ્થાનેથી ગાંધીનગર જવા રવાના
જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ. નામની ઔપચારિક જાહેરાત બાદ સંભાળશે ચાર્જ. નિવાસસ્થાનેથી ગાંધીનગર જવા માટે રવાના.
આજે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કમલમ (ભાજપ કાર્યાલય) ખાતે પદગ્રહણ કરવા જઈ રહ્યા છે. આજે સવારે 10 વાગ્યે આ અંગેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. આ સમારોહમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણ ઉપસ્થિત રહેશે. તેમની સાથે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. જગદીશ વિશ્વકર્મા તેમના નિવાસસ્થાનેથી રેલી સ્વરૂપે કમલમ જવા રવાના. આ પદગ્રહણ સમારોહમાં ભાજપના સાંસદો અને ધારાસભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહે તેવી શક્યતા છે.
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું તેમના નિવાસસ્થાને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને અભિનંદન આપવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ સાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે અમદાવાદના ધારાસભ્ય અમિત શાહ અને અમિત ઠાકર પણ જગદીશ વિશ્વકર્માના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ ઉપરાંત, ધારાસભ્ય કૌશિક જૈન અને ધારાસભ્ય પાયલ કુકરાણી પણ તેમને શુભેચ્છા આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરોનો પ્રવાહ જોવા મળ્યો હતો.




















