Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ
ભાજપના જ સાંસદે ભાજપ શાસિત ગુજરાતમાં દારૂબંધીના દંભનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર સામે ‘લેટર બોંબ’ ફોડી રાજકારણમાં ગરમાવો લાવી દીધો. તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે.
હર હંમેશ સત્ય માટે બોલનાર અને લખનાર ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વધુ એકવાર લેટર બોમ્બ રૂપમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે. નર્મદા જિલ્લામાં દારુ અને જુગારના અડ્ડાઓ પોલીસના કર્મચારી- અધિકારીઓ અને રાજનેતાઓની સાંઠગાંઠથી ચાલતા હોવાના ઉલ્લેખ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સનસનીખેજ પત્ર લખ્યો છે. મહારાષ્ટ્રની સરહદથી કેમિકલ વાળો દારુ ગુજરાતમાં ઘૂસાડાતો હોવાનો ખુલાસો તેમણે કર્યો. દારૂ સપ્લાયમાં આવતા બધા જ પોલીસ સ્ટેશનના પીએસઆઈની સંડોવણી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જેમાં આમલેથા પોલીસ સ્ટેશન ખાસ હોવાનું અને દારૂ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી મોકલવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે.






















