Porbandar News: મહાત્મા ગાંધીના પોરબંદરમાં મનપા બનાવશે નોનવેજ ફૂડ માર્કેટ
અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરમાં અઢી કરોડ રૂપિયાના ખર્ચે એસટી ડેપો નજીક જ 28 સ્ટોલની ક્ષમતા ધરાવતું નોન વેજ ફૂડ માર્કેટ બનાવવા મહાપાલિકાએ આયોજન કર્યું છે. 255 લાખના ખર્ચે આ નોનવેજ ફૂડ માર્કેટનું નિર્માણ કરાશે. જેના માટે મહાપાલિકાએ ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નોનવેજ વાનગીનો આનંદ આરામથી બેસીને લોકો માણી શકે તે માટે નોન વેજ ફૂડ માર્કેટમાં ખાસ ગઝેબો અને શેડ બનાવવામાં આવશે. પોરબંદર શહેરના ભંગાર બજારની બાજુમાં 3200થી 3500 ચોરસ મીટરના આ પ્લોટમાં દમણની માર્કેટની તર્જ પર જ ફેબ્રિકેટેડ સ્ટોલ ઉભા કરાશે.. નોન વેજ ફૂડ માર્કેટ પાછળ એવો દાવો કરાઈ રહ્યો છે કે પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટીછવાઈ ઉભી રહેતી નોનવેજની લારીઓને વ્યવસ્થિત કરવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આ નિર્ણય કરાયો છે.આ નિર્ણયથી નોનવેજના લારીધારકોને કાયમી અને સુરક્ષિત જગ્યા મળશે. તો ટ્રાફિકની સમસ્યાનો પણ અંત આવશે. આટલું જ નહીં નોનવેજ ફૂડ માર્કેટમાં પાણી, શૌચાલય સહિતની સુવિધાઓ રહેશે. આટલું જ નહીં રાત્રીના સમયે પૂરતી રોશની માટે ઈલેક્ટ્રિફિકેશનની સુવિધા આપવામાં આવશે.

















