Gujarat High Speed Corridor: રાજ્યમાં નવ હાઇસ્પીડ કોરિડોર બનશે, 5,576 કરોડના ખર્ચને મળી મંજૂરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત' ના સંકલ્પને 'વિકસિત ગુજરાત' દ્વારા સાકાર કરવાના દૃઢ નિર્ધાર સાથે, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹7,737 કરોડની જંગી રકમ મંજૂર કરી છે. આ ભંડોળ 124 વિવિધ કામો માટે ફાળવવામાં આવ્યું છે. આ યોજનાનું મુખ્ય આકર્ષણ 'ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર' છે, જે અંતર્ગત 809 કિલોમીટર લંબાઈના 9 નવા કોરિડોરનું નિર્માણ ₹5,576 કરોડના ખર્ચે કરાશે. આ કોરિડોર ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી બનાવશે. આ ઉપરાંત, માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેક્નોલોજીયુક્ત બનાવવા માટે પણ ₹1,147 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પગલાંથી રાજ્યમાં ઇઝ ઑફ ટ્રાન્સપોર્ટેશન વધશે અને આર્થિક વિકાસને વેગ મળશે.
















