Laalo Film controversy: લાલો ફિલ્મના નિર્માતા-નિર્દેશક આવ્યા વિવાદમાં | abp Asmita
ગુજરાતી સિનેમામાં એક નવો માઈલસ્ટોન સ્થાપનાર ફિલ્મ લાલોએ ફિલ્મે લોકોના દિલમાં તો સ્થાન જમાવી લીધું છે. પરંતું ફિલ્મમાં કરણ જોશી (લાલો) અને તુલસી (રીવા રાચ્છ) તેની દિકરી ખુશી (મિષ્ટી કડેચા) સાથે જે ઘરમાં રહેતા હતા તે ઘર જૂનાગઢના ઉપરકોટ રોડ નજીક ફુલ્યા હનુમાન મંદિર સામે આવેલી એક સાવ સાદી વાણંદ ડેલીમાં આવેલું છે. હાલ આ ઘરને લાલાની ડેલી તરીકે પ્રખ્યાત બન્યું છે. પરંતુ આ ઘર જેની માલિકીનું છે તેને ભાગ્યે જ કોઈ ઓળખતું હશે. આ મકાનમાલિક વૃદ્ધ મહિલા ભાવનાબેન વાજાએ આંખમાં આંસુ સાથે વેદના વ્યક્ત કરી. ભાવનાબેને કહ્યું કે, શૂટિંગ માટે કંઈ આપ્યું નથી. ફિલ્મના શુટિંગ સમયે માત્ર બે દિવસ શુટિંગ માટે ઘર આપવા વાત કરી હતી. પરંતુ બે દિવસના બદલે આ ફિલ્મનું શૂટિંગ પંદર દિવસ સુધી ચાલ્યું હતું. આટલું લાંબું શૂટિંગ ચાલ્યું અને ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની જંગી કમાણી કરી હોવા છતાં મકાનમાલિક પરિવારને હજુ સુધી એક રૂપિયો પણ ચૂકવવામાં આવ્યો નથી. એ સમયે ફિલ્મમાં હીરો-હિરોઈન સહિત અન્ય લોકો તેમને 'માસી' કહીને બોલાવતાં હતાં અને કહેતાં હતાં કે માસી દુઆ કરો, અમારી ફિલ્મ સારી જાય અને બધાને ખૂબ પસંદ આવે. આટલી દુઆઓ આપ્યા છતાં અને ફિલ્મે કરોડો રૂપિયા કમાયા બાદ ફિલ્મની ટીમ જૂનાગઢમાં ફરી આવી હતી, પરંતુ તેમણે આ વૃદ્ધ મહિલાના ઘરની મુલાકાત લેવાની કે તેમને એક વખત ફોન કરવાની પણ તસદી લીધી નથી.ફિલ્મ શૂટિંગ કર્યું ત્યારે માસી માસી કરતા હતા, હવે સામે પણ નથી જોતા. મારે તો મકાન વેચી દેવું છે.મકાનમાલિકના આરોપ પર નિર્માતા અને નિર્દેશકે મૌન સેવી લીધું છે. ફિલ્મ પ્રોડ્યુસર અજય પાદરિયાએ પ્રતિક્રીયા આપવાથી ઈન્કાર કરી દીધો.



















