Thakor Samaj Bandharan Controversy: ઠાકોર સમાજના બંધારણ સામે સમાજના કલાકારોએ જ માંડ્યો મોરચો
છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણને લઇને વિવાદ શરૂ થયો છે. બનાસકાંઠાના જાણીતા કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોરે ડીસાના જાબડીયા ગામમાં ડીજે સાથે લગ્નનો વરઘોડો કાઢ્યો હતો, જે પછી વિવાદ થતાં બન્ને કલાકારોને નાત બહાર મુકી દેવામાં આવ્યા હતા. જોકે, હવે આ સમગ્ર મામલે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે પણ સવાલો ઉઠાવ્યા છે. બનાસકાંઠાના એક કાર્યક્રમમાં સમાજના આગેવાનો પર ચાબખા માર્યા, તેમને કહ્યું કે, આગેવાનોને ખબર નથી પડતી કે ડીજે શું છે, કલાકારો અને બીજા કેટલાય લોકો બંધારણના કારણે બેરોજગાર થઇ જશે. તેનો રસ્તો કાઢવો જોઇએ.
ક્ષત્રિય ઠાકોર સમાજે ગત 4થી જાન્યુઆરીના દિવસે ઓગડનાથ ધામમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું બંધારણ જાહેર કર્યુ હતુ. જેમાં મોટા મોટા રાજકારણી અને સમાજના આગેવાનોએ હાજરી આપી હતી, હવે આ 16 મુદ્દાના બંધારણનું ઉલ્લંઘન બનાસકાંઠાથી થયુ હતુ. જાણીતા કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોરે ડીજે સાથે વરઘાડો કાઢ્યા બાદ સમાજની મીટિંગ મળી અને બન્નેને એક વર્ષ માટે સમાજ બહાર મુકી દેવામાં આવ્યા હતા. હવે આ મુદ્દે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે બંધારણ અને સમાજના આગેવાનોને આડેહાથ લીધા છે.


















