Mehsana Air Show: મહેસાણાના ઈતિહાસમાં પ્રથમવાર યોજાઈ રહ્યો છે એર શો
મહેસાણાના ઈતિહાસમાં પ્રથમવાર યોજાઈ રહ્યો છે એર શો. ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમના આ એર શોને લઈને ભારે ઉત્સાહનો માહોલ છવાયો. આકાશમાં શોર્ય અને કૌશલ્યનો દિલધડક રોમાંચક નજારો જોવા મળશે. જેના માટે માત્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતના લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે..એર શોના એક દિવસ પહેલા 'સૂર્યકિરણ' ટીમે મહેસાણાના આકાશમાં પ્રેક્ટિસ કરીને વાતાવરણમાં રોમાંચ ભરી દીધો હતો. 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ' 1996માં રચાઈ હતી અને તે એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે. ટીમનું સૂત્ર 'સર્વદા સર્વોત્તમ' છે, જે તેમની ચોકસાઈ, શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતીક છે. આ ટીમ ભારતમાં 700થી વધુ પ્રદર્શન કરી ચૂકી છે....સાથે સાથે ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE સહિત અનેક દેશોમાં પણ ભારતની શૌર્ય ગાથાને રજૂ કરી છે. મહેસાણામાં યોજાનારો આ શો માત્ર એક મનોરંજન નથી, પરંતુ યુવાનો અને દેશવાસીઓમાં ભારતીય વાયુસેના પ્રત્યે આકર્ષણ અને રાષ્ટ્રભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાનો એક પ્રયાસ છે. આ મુખ્ય શોમાં 'સૂર્યકિરણ' ટીમના બહાદુર પાયલટ્સ ભારતમાં બનેલા નવ હોક Mk132 વિમાનોને ઉડાવશે.જે વિમાનો વચ્ચે ૫ મીટરથી ઓછા અંતરે રહીને આકર્ષક કરતબ કરશે.. દર્શકોને લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા અનેક દિલધડક કરતબો જોવા મળશે.