Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
મહેસાણામાં આરટીઓ વિભાગે કાયદાનો દંડો ઉગામ્યો છે. મુસાફરોની સુરક્ષા અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ અને ટ્રાન્સપોર્ટરો સામે લાલ આંખ કરી છે. નિયમિત તપાસ દરમિયાન એક એવી લક્ઝરી બસ ઝડપાઈ છે, જે કાગળ પર કંઈક અલગ અને રસ્તા પર કંઈક અલગ જ રૂપે દોડી રહી હતી. મહેસાણા આરટીઓ દ્વારા મહેસાણા હાઈવે પર હાથ ધરાયેલા ચેકિંગમાં એક સ્લીપર બસને અટકાવવામાં આવી હતી. રાજસ્થાન થી મુસાફર ભરી અમદાવાદ તરફ જતી આ લકઝરીની તપાસ દરમિયાન જે વિગતો બહાર આવી તે ચોંકાવનારી હતી. માલિકે સરકારી ટેક્સ બચાવવા માટે વાહન પર ગેરકાયદેસર રીતે બીજી જ ગાડીની નંબર પ્લેટ લગાવી દીધી હતી. જ્યારે આરટીઓ ઇન્સ્પેક્ટરે બસના બોનેટ ખોલીને તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે બસના એન્જિન નંબર અને ચેસિસ નંબર સરકારી ચોપડે નોંધાયેલા દસ્તાવેજો સાથે મેળ ખાતા નથી. આ માત્ર આર્થિક ગુનો નથી, પરંતુ જો આવી બસનો અકસ્માત થાય, તો મુસાફરોને વીમો કે અન્ય કાયદાકીય સહાય મેળવવી અશક્ય બની છે























