Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય ક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી છે, જેને લઈને કોંગ્રેસના અન્ય નેતાઓ અને કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ ગુજરાતના સૌથી ધનિક રાજકીય નેતાઓમાંના એક ગણાય છે અને ચૂંટણી દરમિયાન જાહેર કરેલી તેમની મિલકતોને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પોતાની સલામત બેઠક છોડીને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે રાજકોટ-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી હતી, જે તે સમયે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ચર્ચાયેલી બેઠક હતી. અગાઉ 2018માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જોકે તેઓ લાંબો સમય આમ આદમી પાર્ટીમાં રહ્યા નહોતા અને કોંગ્રેસમાં પરત ફર્યા હતા.






















