Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં તબીબ પર હુમલો કરનાર દર્દીના સગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ન્યૂરો સર્જરી વિભાગમાં ડોક્ટર પાર્થ પંડ્યાને દર્દીના પરિવારે માર માર્યાનો આરોપ છે. દર્દીના પરિવારજનોએ કરેલી મારામારીના દ્રશ્યો હોસ્પિટલમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં પણ કેદ થયા હતા. બ્લડ બેન્કમાંથી લોહી લેવા માટેના ફોર્મને લઈને તબીબ અને દર્દીના પરિવારજનો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ દર્દી સાથે આવેલા જયદીપ ચાવડા નામના શખ્સે તબીબ સાથે મારામારી કરી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત તબીબને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હુમલાની ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલમાં પણ ઘેરા પડધા પડ્યા હતા. તમામ તબીબોએ કામગીરીથી અળગા રહીને હુમલાની ઘટનાને વખોડી હતી. હુમલાખોરને તાત્કાલિક ઝડપી પાડવા અને કડક કાર્યવાહીની માંગ સાથે તબીબોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. રેસિડન્ટ તબીબ પાર્થ પંડ્યાએ જયદીપ ચાવડા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી તો સિવિલના સુપ્રિટેન્ડન્ટે પણ સમગ્ર ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા હતા. મહિલા ડોક્ટરોનું કહેવું છે કે અગાઉ પણ આવા હિંસક હુમલાઓની ઘટનાઓ બની ચૂકી છે.