Sanand Farmer: ડાંગરના પાકને વ્યાપક નુકસાન, abp અસ્મિતા સમક્ષ સાણંદના ખેડૂતોએ વ્યથા ઠાલવી
માવઠાના મારથી અમદાવાદના સાણંદ તાલુકાના ખેડૂતો થયા પાયમાલ. ગોરજ, રફેલ, જાપ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે થયો નષ્ટ. કમોસમી વરસાદને લીધે ખેતરો જળબંબાકાર થયા છે. છેલ્લા સાત દિવસથી વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. ત્યારે ખેતરમાં રહેલ ડાંગરનો પાક પલળીને સંપૂર્ણપણે બગડી ગયો છે.. એબીપી અસ્મિતા પર વ્યથા ઠાલવતા ખેડૂતોએ 90 ટકા ડાંગરનો પાક નિષ્ફળ ગયો હોવાનો દાવો કર્યો.. એટલુ જ નહીં. પાક માટે વ્યાજે અથવા તો ઉછીના લીધેલ રૂપિયા પણ કેવી રીતે પરત કરીશું તે એક મોટો સવાલ છે. રાજનીતિ ન કરીને સરકાર તમામ દેવાઓ અને આર્થિક બોજા માફ કરે તેવી ખેડૂતોની માગ છે.
આવી જ હાલત નળ સરોવર કાંઠા વિસ્તારના 20થી વધુ ગામોની છે. ઉપરદળ ગામના ખેડૂતોએ એબીપી અસ્મિતા પર વ્યથા ઠાલવતા કહ્યુ કે ગામના તમામ ખેતરોમાં પાણી ભરાયેલા છે. ખેતરો પાણીથી લબાલબ ભરાતા ડાંગરના તૈયાર પાકમાં જીવાત અને કીડા પડી ગયા છે. એટલુ જ નહીં.. પાણીમાં પલળીને ડાંગરમાં ફણગા ફુટી નીકળ્યા છે.. પાલતુ પશીઓ માટેનો ઘાસચારો પણ હવે બચ્યો નથી. ખેડૂતોએ તો ત્યાં સુધી કહી દીધુ કે રાજનીતિ કરી રહેલા રાજનેતાઓેને એટલી વિનંતી છે કે ખેડૂતોના નામે રાજનીતિ ન કરે સરકાર જો દેવુ માફ નહીં કરે તો ખેડૂતો પાયમાલ થઈ જશે..





















