Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ. લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેળસેળયુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડો પાડીને મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો.કામગીરીમાં પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી કબજે કર્યું. આ સાથે 856 કિલો વેજીટેબલ-સોયાબીન ઓઈલ જપ્ત કરવામાં આવ્યું. મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી બનાવનાર એક શખસની અટકાયત પણ કરવામાં આવી..લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આહીર સમાજની વાડી પાછળ આવેલી પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત રીતે દરોડો પાડ્યો. પકડાયેલો આરોપી અલ્પેશ સાંથલીયા અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો. વધુ નફો કમાવવાની લાલચમાં વેજીટેબલ ઓઈલ અને સોયાબીન ઓઈલને મિશ્રિત કરતો હતો. તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરતો હતો. તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજનલ ઘી બનતું, તેને પણ આ મિશ્રણમાં ઉમેરી ગરમ કરીને ગ્રાહકોને છેતરતો હતો.દરોડા દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગે ઘટનાસ્થળેથી સામાન જપ્ત કર્યો છે. જેમાં ઘી 319.54 કિલો ભેળસેળયુક્ત ,856 કિલો વેજીટેબલ/સોયાબીન ઓઈલ , એસેન્સ તથા અન્ય સાધન સામગ્રી મળી 2 લાખ 11 હજારનો મુલ્લામાલ જપ્ત કરવામા આવ્યો..