Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
સુરતના તક્ષશિલા આર્કેડ ખાતે વર્ષ 2019માં બનેલી હ્રદયદ્વાવક અગ્નિકાંડની ઘટનાને આજે સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. પરંતું આ સાત વર્ષ બાદ પણ મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને હજુ સુધી સંપૂર્ણ ન્યાય મળ્યો નથી. આજે પણ પરિવારજનો કોર્ટના ચક્કર કાપી રહ્યા છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમ વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ ગયા હતાં. પરિવારજનોનો આરોપ છે કે DGVCL અને ફાયર વિભાગની ગંભીર બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ. આજે ઘટનાના સાત વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સરથાણા ખાતે બનાવેલા સ્મારક પર પરિવારજનો એકત્રિત થયા હતાં અને મૃતક વિદ્યાર્થીઓના વાલીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. મૃતક ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખ ગજેરાએ કહ્યું કે 7 વર્ષ વીતી ગયા પરંતુ એકપણ દિવસ એવો નથી ગયો જ્યારે આ ઘટના યાદ ન આવી હોય. અમારા માટે આ 7 વર્ષ એટલે 100 વર્ષ સમાન છે. આજે પણ અમે ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ.પરિવારજનોનો આરોપ છે કે ઘટનાના જવાબદાર અધિકારીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તેઓએ સરકાર અને પ્રશાસન પાસે ફરી એકવાર માંગ કરી છે કે કેસની ઝડપી સુનાવણી કરીને દોષિતોને કડક સજા આપવામાં આવે.તક્ષશિલા અગ્નિકાંડની આ દુઃખદ યાદ આજે પણ સુરતવાસીઓના મનમાં જીવંત છે અને પરિવારજનોને હજુ પણ ન્યાયની આશા છે.






















