Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
સુરતમાં નવનિયુક્ત ડે.મેયર સુધાકર ચૌધરી વિવાદમાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, સુરતના ડેપ્યૂટી મેયર સુધાકર ચૌધરીના બે પુત્રો પર રોડ પર દબાણ કરવાનો આરોપ લાગ્યો છે. અતુલ અને રાહુલ સુધાકર ચૌધરી પર ડીંડોલી-સણીયા રોડ પર દબાણ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. સણીયાના ગ્રામજનોએ સરપંચ જસપાલ સોલંકીને આ મામલે ફરિયાદ કરી હતી. બુલડોઝર લઈ દબાણ દૂર કરવા જતા સરપંચ જસપાલ સોલંકી સાથે ડે.મેયરના પુત્રોએ દાદાગીરી કર્યાનો આરોપ લાગ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મધુવન ફાર્મ પાસે ગૌચરની જમીન પર દબાણ કરવાનો તેમના પર આરોપ લાગ્યો છે. ડે.મેયરના પુત્રોએ દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કર્યો હતો.
સરપંચ જસપાલ સોલંકી બુલડોઝર લઇ દબાણ દૂર કરવા જતા તેમની સાથે ડેપ્યુટી મેયરના પુત્રોએ દાદાગીરી કરી હતી. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જમીનના માલિકી હક્ક અને દસ્તાવેજોને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે.
સરપંચ જસપાલ સોલંકીએ આરોપ લગાવ્યો હતો કે ગામની મંજૂરી વગર દબાણ કર્યું છે. રાહુલ ચૌધરી અને અતુલ ચૌધરીએ દાદાગીરી કરી હતી. દબાણ દૂર કરવા 20 દિવસથી રજૂઆત કરતા હતા. ગામના લોકોએ કહ્યું કે ગૌચરની જમીન પર ડે.મેયરના પુત્રોએ દબાણ કર્યું છે. પાઈપો નાખી માટી પુરાણ કર્યું હતું.
ડે.મેયરે તમામ આરોપોને ફગાવ્યા
બીજી તરફ ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ તમામ આરોપોને ફગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મારા પુત્રએ ખેડૂત પાસેથી જમીન ભાડે રાખી છે. કોઈ ગૌચરની જમીન પર દબાણ કર્યું નથી. દબાણ હટાવવામાં અમે પણ સહમત છીએ. પાંચ વર્ષ માટે પાર્ટી પ્લોટ માટે જગ્યા ભાડે લીધી છે. ગૌચરની જગ્યા પર દબાણ નથી કર્યું. અમે પાર્ટી પ્લોટ ભાડે લીધો ત્યારે રસ્તો હતો.





















