Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે સતત બીજા દિવસે પણ સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે, જ્યાં ઘૂંટણસમાથી લઈને કમરસુધીના પાણી ભરાઈ ગયા છે. આકાશી આફતને પગલે શહેરની રફતાર સાવ ધીમી પડી ગઈ છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આજે સુરતમાં આંગણવાડી, સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 3 કલાક માટે સુરતમાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 22.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર અને જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. અતિભારે વરસાદને પગલે ગુજરાતમાં કુલ 167 રોડ-રસ્તાઓ વાહનવ્યવહાર માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં ભરૂચ અને અમરેલી જિલ્લામાં 1-1 નેશનલ હાઈવે પણ પાણી ભરાવાને કારણે બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત, પંચાયત હસ્તકના 157 જેટલા ગ્રામીણ માર્ગો પણ બંધ થઈ ગયા છે, જેને કારણે હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
વલસાડ અને અમરેલી જિલ્લામાં સૌથી વધુ રસ્તાઓ બંધ
ભારે વરસાદની સૌથી માઠી અસર રસ્તાઓ પર જોવા મળી રહી છે. જિલ્લાવાર બંધ રસ્તાઓની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં સૌથી વધુ 62 રસ્તાઓ બંધ છે, જ્યારે અમરેલી જિલ્લામાં 30 અને નવસારી જિલ્લામાં 26 રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ સિવાય સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના 9, ભાવનગરના 7 અને દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના 5 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
એસટી બસ વ્યવહાર ખોરવાયો
રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે ગુજરાત એસટી (ST) બસના રૂટો પર પણ ભારે અસર પડી છે. મુસાફરોની સલામતીના ભાગરૂપે એસટી વિભાગ દ્વારા રાજ્યમાં કુલ 60 ટ્રીપો રદ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ભાવનગર ડેપોની 30 ટ્રીપ રદ કરાઈ છે. આ ઉપરાંત જૂનાગઢ ડેપોની કુલ 14 ટ્રીપ અને અમરેલી ડેપોની 8 એસટી ટ્રીપો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.