Onion Price Hike: ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ફરી વધારો થયો છે. ડુંગળીના હોલસેલ ભાવમાં વધારો થયો છે, જેના કારણે રિટેલ ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. ડુંગળીનો હોલસેલ ભાવ પ્રતિ કિલો રૂપિયા 20 થી 27 પહોંચ્યો છે. જેના કારણે તહેવારો વખતે ફરી ડુંગળી લોકોને રડાવશે તેમ માનવામાં આવે છે. દક્ષિણ ભારત અને નાસિકમાં પડેલા ભારે વરસાદથી ડુંગળીના પાકને નુકસાન થયું છે, જેના કારણે હાલ પુરવઠો ખોરવાયો છે.


પાછોતરા વરસાદથી કપાસ, મગફળીના પાકને નુકસાન


અમરેલીમાં પડેલા પાછોતરા વરસાદના કારણે ખેતી પાકોને મોટાપાયે નુકસાન થયું છે. મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતોના સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. કપાસના ઉભા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. વરસાદના કારણે પાક નુકસાન છતાં સરવેની કામગીરી નહીં કરાતા ખેડૂતોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.વીમા કંપનીઓ પણ ખડૂતોનું દર્દ સાંભળવા તૈયાર નથી . સરકાર તાત્કાલિક સરવે કરાવી સહાય આપે તેવી અમરેલીના અસરગ્રસ્ત અન્નદાતાની માંગ છે.




નવેમ્બર-ડિસેમ્બરમાં કેમ વધી જાય છે ડુંગળીના ભાવ ?


દેશમાં ડુંગળીના ભાવ દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં વધવા લાગે છે. સરકારે આ સમસ્યાનો સામનો કરવા માટે એક ચેલેન્જ જાહેર કરી છે.. ગ્રાહક બાબતોના મંત્રાલયે (Consumer Affairs Ministry) ટેકનિકલ યુનિવર્સિટીઓ સહિત 100થી વધુ યુનિવર્સિટીઓને પત્ર લખીને વિદ્યાર્થીઓ, સંશોધકો અને ફેકલ્ટી મેમ્બર્સને આમંત્રણ આપ્યું છે. ડુંગળીના પુરવઠામાં અછત અને ભાવમાં વધારો એ સરકાર માટે ચિંતાનું મુખ્ય કારણ છે. ઘણી વખત સરકારે ભાવ ઘટાડવા માટે ડુંગળીની આયાત કરવી પડે છે.


શું છે મેગા ચેલેન્જ


સરકારે પહેલીવાર ડુંગળી સાથે જોડાયેલી એક મોટી ચેલેન્જની જાહેરાત કરી છે. આ ચેલેન્જમાં ડુંગળીની અછતની સમસ્યાને પહોંચી વળવા માટે પ્રાઇમરી પ્રોસેસિંગ, સ્ટોરેજ અને પ્રાઇસિંગની ટેકનિક વિકસાવવામાં આવશે. ઘણી વખત ડુંગળીનો લગભગ 30 થી 40% પાક સંગ્રહ કરવાથી નષ્ટ થઈ જાય છે. ભવિષ્યમાં ડુંગળીનો પાક બરબાદ ન થાય તે માટે આ ચેલેન્જ લાવવામાં આવી છે.


માંગ કરતાં વધુ હોય છે ઉત્પાદન









ત્રણ સીઝનમાં ડુંગળી ઉગાડવામાં આવે છે


દેશમાં ડુંગળી ત્રણ ઋતુમાં ઉગાડવામાં આવે છે. માર્ચ અને મે મહિના દરમિયાન કાપવામાં આવતો રવી પાક ભારતમાં ડુંગળીનો મુખ્ય આધાર છે, જે વાર્ષિક ઉત્પાદનમાં 65 ટકા હિસ્સો ધરાવે છે. વધુ સપ્લાયને કારણે આ મહિનાઓ દરમિયાન કિંમત ઓછી હોય છે.


દર વર્ષે 11,000 કરોડ રૂપિયાનું નુકસાન


મંત્રાલયે યુનિવર્સિટીઓ સાથે શેર કરેલા દસ્તાવેજ મુજબ ડુંગળીની સ્ટોરેજ સિસ્ટમથી વાર્ષિક નુકસાન આશરે 11,000 કરોડ રૂપિયા જેટલું જોવા મળી રહ્યું છે. હવે તે સ્ટોરેજ સોલ્યુશન્સ શોધવાનું છે, જે ખેડૂતોની કમાણીમાં પણ સુધારો કરી શકે છે.


ત્રણ તબક્કામાં ચેલેન્જ


આ ચેલેન્જના 3 તબક્કા હશે. સરકાર દરેક સ્તરે ટીમોને ફંડ આપશે અને વિજેતાઓને ઇનામની રકમ પણ આપવામાં આવશે.



  • સૌ પ્રથમ આઇડિયા ટુ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ સ્ટેજમાં 40 દરખાસ્તોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. તેમાંથી દરેકને 75,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. વર્કિંગ પ્રોટોટાઇપ 3-4 મહિનાની અંદર તૈયાર થઈ જશે.

  • બીજા તબક્કામાં સરકાર 20 પ્રસ્તાવોની પસંદગી કરશે. 6થી 12 મહિનાની અંદર તે પોતાનું સોલ્યુશન તૈયાર કરવા માટે 5-5 લાખ રૂપિયા આપશે.

  • આમાં, બીજા તબક્કાની તમામ દરખાસ્તોને યૂઝર એજન્સી દ્વારા નિર્ધારિત સ્થાન પર તૈયાર ઉત્પાદન અથવા પ્રક્રિયાને તૈનાત કરવાની તક મળશે. આ બધી ટીમોને ઉત્પાદનનું માર્કેટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે.