Anand: કેરી રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. હવે લોકોને એક નવી કેરીનો સ્વાદ માણવા મળશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ વિભાગે કેરીની નવી જાત શોધી કાઢી છે અને તેનું નામ આપ્યું છે આણંદ રસરાજ.


આ અંગે વિગતે વાત કરીએ તો, તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટીએ ‘આણંદ રસરાજ (ગુજરાત કેરી 1)! નામની કેરીની નવી જાત વિકસાવી છે. અને તે ખેડૂતો માટે બહાર પાડી છે. તે ઉચ્ચ ઉપજ આપતી અને ગુણવત્તામાં ઘણી સારી છે. કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા તેમજ સંશોધન નિયામક ડૉ. એમ. કે. ઝાલાની પ્રેરણાથી કૃષિ સંશોધન કેન્દ્ર, જબુગામ ખાતે કાર્યરત ડો. એચ.સી. પરમાર, ડો. વિનોદ બી. મોર અને આકૃયુના અન્ય વૈજ્ઞાનિકોના છેલ્લા કેટલાક વર્ષોના સઘન પ્રયાસોથી ગુજરાતમાં લગભગ 22 વર્ષના લાંબા સમય બાદ ખેડૂતો અને ગ્રાહકોની માંગ સંતોષવાની ક્ષમતા ધરાવતી આ નવી જાત વિકસાવાઇ છે.


લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન, આ આંબાની નવી જાત ‘આણંદ રસરાજ’ બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માંગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે. આ જાતને કાપીને તથા રસ બનાવીને બંને રીતે આરોગી શકાય છે. દર વર્ષે ફળ બેસે છે અને લગભગ 110 દિવસે પાકી જાય છે. જો કે કેરી રસિકોને આનંદ રસરજનો સ્વાદ ચાખવા રાહ જોવી પડશે. હાલ તમામ પ્રક્રિયામાંથી પાસ થયા બાદ હવે કલમો તૈયાર કરી વધુમાં વધુ છોડ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.


કેસર કેરીની આવક થઈ શરૂ


 જૂનાગઢ  માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ  થઈ છે. હાલ તાલાલા પંથકની કેસર કેરીની આવક શરૂ થઇ છે. ચાલુ વર્ષે એક મહિના અગાઉ કેરીની આવક શરૂ થઇ છે. હાલ માત્ર 10 થી 15 બોક્સની આવક થઈ છે. ભાવ બે થી ત્રણ હજાર પ્રતિ બોક્સના રહ્યા છે. હજુ આગામી સમયમાં કેરીની આવક વધશે અને ભાવમાં ઘટાડો થશે.


પ્લાનિંગથી કરશો કેરીની ખેતી તો ઉત્પાદનમાં થશે વધારો


ગ્લોબલ વોર્મિંગના કારણે ખેતીપાક પર મોટી અસર થઈ છે. થોડા સમય પહેલા  અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં ભર શિયાળે કેસર કેરીની આવક થઈ હતી. શિયાળામાં કેસર કેરી વેચાવા આવતા લોકો પણ જોવા ઉમટી પડ્યા હતા. કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સલાહ આપી રહ્યા છે કે જો ખેડૂતો કેરીના પાકનું ઉત્પાદન વધારવા માંગતા હોય તો હવામાન પરિવર્તનના આ યુગમાં કેરીની ખેતી કરતા પહેલા  અમુક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો ખેડૂતો કેરીના વાવેતરના સમયથી જ યોગ્ય આયોજન કરે તો ભવિષ્યમાં થતા નુકસાનને ટાળી શકાય છે.