Mango Crop: વલસાડ જિલ્લાના કેરી રસિકો માટે આ વર્ષે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં આ વર્ષે કેરીનો પાક ૮૦ થી ૯૦ ટકા સુધી નિષ્ફળ ગયો હોવાનો ચોંકાવનારો દાવો જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતો હવે સરકાર પાસે વળતરની માંગણી કરવા માટે રજુઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આંબાવાડીઓમાં પુષ્કળ પ્રમાણમાં મોર આવ્યો હતો. પરંતુ કમનસીબે, સમગ્ર મોર ખરી પડતાં કેરીનું ઉત્પાદન થશે કે કેમ તે અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. વલસાડ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખે દાવો કર્યો છે કે જિલ્લામાં કેરીના પાકને ૮૦ થી ૯૦ ટકા જેટલું જંગી નુકસાન થયું છે. ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે આંબાવાડીઓમાં કેરીનો મોર તો ખૂબ સારો આવ્યો હતો, પરંતુ ફલીકરણ ન થવાના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને શરૂઆતમાં પાકમાં નુકસાનનો અંદાજ આવ્યો નહોતો, પરંતુ જ્યારે ફલીકરણ ન થયું અને આખું ઝાડ કાળું પડવા લાગ્યું ત્યારે ખેડૂતોને પાકની ગંભીર સ્થિતિનો ખ્યાલ આવ્યો હતો.

વલસાડ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખે વધુમાં દાવો કર્યો છે કે વલસાડ જિલ્લામાં આવેલી જીઆઇડીસીના પ્રદૂષણયુક્ત વાયુના કારણે પણ કેરીના પાક પર વિપરીત અસર થઈ છે. જિલ્લામાં કુલ ૪૩ હજાર હેક્ટર વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વાતાવરણની પ્રતિકૂળ અસર અને સંભવિત પ્રદૂષણને કારણે ૮૦ થી ૯૦ ટકા જેટલું નુકસાન થયું હોવાનું અનુમાન છે. વાડીઓમાં કેરીનું ઉત્પાદન લગભગ નહીંવત થવાની સંભાવના છે, જેના કારણે આ વર્ષે બજારોમાં કેરીની આવક ખૂબ જ ઓછી રહેવાની શક્યતા છે.

આગામી દિવસોમાં જિલ્લા ખેડૂત સમાજ દ્વારા કેરીના પાકને વીમા કવચ હેઠળ લાવવા માટે માંગણી કરવામાં આવશે. ખેડૂત સમાજનું માનવું છે કે, આ વર્ષે કેરીના પાકને પ્રતિકૂળ વાતાવરણથી થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કેરીના પાકને પણ વીમા સુરક્ષા હેઠળ આવરી લેવો જોઈએ. આ માટે જિલ્લા ખેડૂત સમાજ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવશે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

વળતરની માંગણી અંગે વાત કરતા ખેડૂત સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે, ગત ઓક્ટોબર મહિનામાં ડાંગરના પાકને થયેલા નુકસાન માટે વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આજ દિવસ સુધી ખેડૂતોને તેનું વળતર મળ્યું નથી. આ મુદ્દે પણ ખેડૂત સમાજ દ્વારા આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે અને સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરવામાં આવશે.