દાળ સહિત તમામ કઠોળના ભાવ આસમાને પહોંચી ગયા છે. કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું કે, કઠોળનો સ્થાનિક પુરવઠો વધારવા અને ભાવ સ્થિર કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે છેલ્લા એક વર્ષમાં તુવેર દાળના જથ્થાબંધ ભાવમાં લગભગ ત્રણ ટકાનો ઘટાડો થયો છે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "સરકારે આવશ્યક ખાદ્ય ચીજોની સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને સ્થિર કરવા માટે ઘણી પહેલ કરી છે. આ પગલાંને કારણે તુવેર દાળના ભાવમાં ઘટાડો થયો છે.


ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ (DOCA)ના ડેટા અનુસાર, 22 ફેબ્રુઆરી, 2022ના રોજ તુવેર દાળનો સરેરાશ જથ્થાબંધ ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 9,255.88 હતો જે એક વર્ષ અગાઉના સમાન દિવસે રૂ. 9,529.79 પ્રતિ ક્વિન્ટલ હતો, જે 2.87 પ્રતિ ક્વિન્ટલનો ઘટાડો દર્શાવે છે. કેન્દ્રએ કહ્યું કે મે 2021 માં, આવશ્યક ખાદ્ય ચીજોની કિંમતો પર દેખરેખ રાખવા અને આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ, 1955 હેઠળ મિલ માલિકો, આયાતકારો અને વેપારીઓ સાથે કઠોળની જાહેરાત સુનિશ્ચિત કરવા માટે રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી હતી. મગ સિવાયના તમામ કઠોળની સ્ટોક મર્યાદા 2 જુલાઈ, 2021ના રોજ જાહેર કરવામાં આવી હતી.


ત્યારબાદ, 31 ઓક્ટોબર, 2021 સુધીના સમયગાળા માટે ચાર કઠોળ, તુવેર, અડદ, મસૂર, ચણા પર સ્ટોક મર્યાદા નક્કી કરીને 19 જુલાઈ, 2021ના રોજ એક સુધારિત આદેશ જારી કરવામાં આવ્યો હતો. આયાત નીતિના પગલાંના પરિણામે  છેલ્લા બે વર્ષના સમાન સમયગાળાની તુલનામાં તુવેર, અડદ અને મગની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે.






કઠોળની ઉપલબ્ધતામાં સુધારો કરવા અને કિંમતોને સ્થિર કરવા માટે, સરકારે કઠોળની સરળ અને અવિરત આયાત સુનિશ્ચિત કરવા માટે 15 મે, 2021 થી 31 ઓક્ટોબર, 2021 સુધી 'ફ્રી કેટેગરી' હેઠળ તુવેર, અડદ અને મગની આયાતને મંજૂરી આપી છે. તુવેર અને અડદની આયાતના સંદર્ભમાં ફ્રી સિસ્ટમ 31 માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવી છે.