Agriculture News: ટામેટાનો ભાવ આસમાને ગયા બાદ ફરી એકવાર ટામેટાના ભાવ ગગડી પડતા ટામેટા પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.200 રૂપીએ કિલોના ભાવે મળતા ટામેટા આજે ખેડૂતો માત્ર 2 રૂપીએ કિલોના ભાવે વેચવા મજબુર બન્યા છે.


આમ તો શાકભાજીના ભાવો વધે ત્યારે ગૃહિણીઓના બજેટ ખોલવાતા હોય છે પરંતુ જ્યારે શાકભાજીના ભાવ તળિયે જતા હોય છે ત્યારે શાકભાજી વાવતા ખેડૂતોના બજેટ ખોરવાતા હોય છે. આવું જ ટામેટા પકવતા ખેડૂતોના સાથે થયું છે. થોડાક સમય પહેલા 200 રૂપિયા કિલોના ભાવે વેચાતા ટામેટા આજે માત્ર બે રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે ત્યારે ટામેટાની ખેતી કરતા ખેડૂતોને નુકસાની કરી વેંચવાનો વારો આવ્યો છે. હિંમતનગર સહિત જિલ્લામાં કેટલાક ભાગોમાં ટામેટાની ખેતી ખેડૂતોએ કરી હતી. ગત જુન જુલાઈ માસમાં ખેડૂતોએ ટામેટાના મોંઘા ભાવના રોપા લાવી વાવેતર કર્યું હતું. ત્યારબાદ ટામેટાના છોડ ઉછેરવા માટે માંડવા બનાવ્યા અને બાદમાં વરસાદ વરસતા ટામેટાના છોડ મુર્જાઈ ગયા. જેમાં પણ ખેડૂતોએ ખાસો એવો ખર્ચ અને માવજત કરી ટામેટા ઉત્પાદન કર્યું પરંતુ ઉત્પાદન સમયે ભાવો ન મળતા હોવાને લઇ હાલ તો ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.




હિંમતનગર તાલુકાના નવાનગર ગામ ખાતે ખેડૂતોએ 200 વીઘા કરતા વધુ વિસ્તારમાં ટામેટાનું વાવેતર કર્યું છે. એક વીઘા દીઠ અંદાજિત 1 લાખ રૂપિયા જેટલો ટામેટામાં ખર્ચ કર્યો છે ત્યારે હાલ ટામેટા ઉત્પાદનનો સમય છે ત્યારે ઉત્પાદન તો મળે છે પરંતુ બજાર ભાવના મળવાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ ખેડૂતોએ વિઘા દિઠ એક લાખ કરતા પણ વધુ ખર્ચ કર્યો છે જેની સામે ખેડૂતોને પ્રતિ કિલોએ 2 રૂપિયાના ભાવે ટામેટા વેચાઈ ગયા છે. જોકે હાલ તો ખેડૂતો ટામેટાના છોડ પરથી ટામેટાં વીણવાનું ખર્ચ પણ ₹300 થતું હોય છે એટલું જ નહીં પરંતુ ખેતરથી બજાર સુધી ટામેટા લઈ જવામાં પણ એક મણના પાંચ રૂપિયાથી લઈ 20 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થતો હોય છે. જેની સામે પ્રતિ કિલોએ બે રૂપિયા ટામેટા વેચાતા હોવાના કારણે હાલ તો ખેડૂતોને માવજત ખર્ચ પણ નીકળતું નથી. જેને લઈને ખેડૂતો હાલતો જમીન પર ફેંકી દેવા તેમજ પશુઓને ખવડાવી દેવા માટે મજબુર બન્યા છે.




એક તરફ જ્યારે ટામેટાની અછત સર્જાઈ ત્યારે સરકાર દ્વારા અન્ય વિસ્તારમાંથી ટામેટાની આયાત શરૂ કરવામાં આવી હતી. જોકે હજુ પણ આયાત શરૂ હોવાના કારણે સ્થાનિક ખેડૂતોને બજારભાવ ઓછો મળી રહ્યો છે. જેને લઇને હાલ તો અહીંના સ્થાનિક ખેડૂતો બેહાલ બન્યા છે ત્યારે ખેડૂતો સરકાર પાસે ટામેટાના પોષણક્ષમ ભાવોની માગ કરી રહ્યા .છે સાથે જ આયાત અટકાવી નિકાસ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવા માટે સરકારને રજૂઆત કરી રહ્યા છે.