Gujarat Agriculture News: રાજ્યમાં ચોમાસાના આગમન પછી અનેક વિસ્તારોમાં મકાઈનું વાવેતર કરવામાં આવી રહ્યુ છે. જેને ધ્યાને રાખીને ખેડૂતોના મકાઈ પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ખેડૂતોએ મકાઈના પાકને પાનના સુકારા તેમજ તડછારો જેવા રોગોથી રક્ષણ આપવા માટે રોગમુક્ત બિયારણ વાપરવું જોઈએ તેમજ મકાઈની રોગપ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ દર વર્ષે પાકની ફેરબદલી કરવી પણ હિતાવહ છે. ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર, ખેડૂતોએ મકાઈની ગુ.આ.પી. સં.મ.-૧, ૨, ૩, ગંગા સફેદ-૨, ૧૧, ગુજરાત મકાઈ-૨, ૪, ૬, નર્મદા મોતી, ગંગા-૫, ડેક્કન-૧૦, શ્વેતા, નવીન અને જવાહર જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી જોઈએ. ટપકાવાળી લશ્કરી ઇયળ સામે રક્ષણ માટે બીજને સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૯.૮ ટકા, થાયામેથોકઝામ ૧૯.૮ ટકા એફએસ, ૬ મિ.લિ પ્રતિ કિ.ગ્રા. કીટનાશકના તૈયાર મિશ્રણ પાણીમાં ભેળવીને બીજ માવજત આપી છાંયડે સૂકવીને વાવેતર કરવું જોઈએ. મકાઈમાં ગાભમાસની ઇયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર તેમજ ચોળા આંતરપાક તરીકે વાવવા જોઈએ. જ્યારે પાછોતરા સુકારા રોગને નિયંત્રણમાં રાખવા માટે ૧,૦૦૦ કિલો પ્રતિ હેક્ટર લીંબોળીનો ખોળ વાવેતર વખતે ચાસમાં આપવાથી રોગને અસરકારક રીતે કાબુમાં લઇ શકાય છે.
કામની વાતઃ મકાઈની ખેતી કરતા હોવ તો આ વાત રાખો ધ્યાનમાં, સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Jul 2024 06:16 PM (IST)
Corn Farming: મકાઈના પાકને રોગમુક્ત રાખવા માટે ખેડૂતોએ મકાઈની રોગપ્રતિકારક જાતોનું વાવેતર તેમજ દર વર્ષે પાકની ફેરબદલી કરવી જરૂરી છે.
ફાઈલ તસવીર
Published at: 22 Jul 2024 06:16 PM (IST)