Gujarat Agriculture News:  ગુજરાત સરકાર દ્વારા વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021-22માં મગ પાક માટે ટેકાનો ભાવ રૂ.7,275 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. આ ભાવે ગુજરાતમાં ખેડૂતો પાસેથી આગામી તા. 21 જુલાઇ-2022થી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરવામાં આવશે તેમ કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.


કૃષિ મંત્રીએ વિગતો આપતાં જણાવ્યું, ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર નિયુક્ત રાજ્ય નોડલ એજન્સી ઇન્ડીએગ્રો કોન્સોર્ટીયમ પ્રોડ્યુસર કં.લિ. (FPO) મારફત કરવામાં આવનાર છે. ઉનાળુ મગ પાકની ટેકાના ભાવે ખરીદી માટે આગામી તા.11 થી  20 જુલાઇ-2022 દરમિયાન ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે ત્યારબાદ તા.21 જુલાઇ 2022થી કેન્દ્ર સરકાર દ્વારા મળેલી મંજૂરીને આધિન ગુજરાતમાં વિવિધ કેન્દ્રો ઉપરથી મગની ખરીદી શરૂ કરવામાં આવશે.


ગુજરાત સરકારે કેમ લીધો નિર્ણય


કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે વિવિધ એ.પી.એમ.સી. ખાતે મગ પાકનો સરેરાશ બજાર ભાવ નિયત થયેલ ટેકાનો ભાવ રૂ.7275 પ્રતિ ક્વિન્ટલ કરતા ઓછો હોઇ રાજ્યના ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો ખેડૂતોના હિતમાં નિર્ણય કરાયો છે.


કેવી રીતે કરવામાં આવશે નોંધણી અને શેની પડશે જરૂર


નોંધણી અંગેની વિગતો આપતાં  તેમણે કહ્યું, ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VLE મારફતે કરવામાં આવશે. નોધણી માટે ખેડૂતોએ કોઇ ચાર્જ-રકમ ચુકવવાની રહેશે નહીં. નોંધણી માટે ખેડૂતે જરૂરી દસ્તાવેજો જેવાકે આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂના-૭ ની નકલ, ઉનાળુ 2021-22માં મગના વાવેતર અંગે ગામ નમૂના-12માં પાકની નોંધ અથવા પાકની વાવણી અંગેનો તલાટીનો દાખલો, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેકની નકલ ખેડૂતે આ સાથે આપવાની રહેશે. આ ઉપરાંત નોંધણી OTP આધારીત હોવાથી નોંધણી માટે મોબાઇલ ફોન નંબર ફરજીયાત આપવાનો રહેશે. કોઇ પણ સંજોગોમાં ઓફ લાઇન નોધણી કરવામાં આવશે નહી.