Gujarat Agriculture News : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે.આજે સમયની જરૂરિયાત અનુસાર યૂરિયા સહિતના રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધવાના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે. એટલું જ નહીં, જમીન, હવા અને પાણી પ્રદૂષિત થયાં છે તેમજ વિવિધ રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. તેમણે કહ્યું, જે રીતે જંગલનાં વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે, ત્યાં કોઈ પ્રકારના ખાતર વિના જ આપોઆપ ફળ આવી જાય છે. પ્રાકૃતિક ખેતીમાં પણ જીવામૃત અને ઘન જીવામૃત આધારિત કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેતી પોષણક્ષમ તો બને જ છે, જ્યારે ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે. યુનેસ્કોના રિપોર્ટનો હવાલો આપતાં જણાવ્યું કે જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ આજે ઘટાડવામાં નહીં આવે, તો આગામી 40-50 વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના કારણે જમીન સદંતર બિનઉપજાઉ બની જશે. તદુપરાંત, વિદેશથી મંગાવવામાં આવતા યૂરિયા અને અન્ય રાસાયણિક ખાતરોમાં દેશનું હૂંડિયામણ પણ ખર્ચ થાય છે. જ્યારે પ્રાકૃતિક કૃષિ થકી જમીનનાં પોષક તત્ત્વો પણ જમીનમાં જ જળવાઈ રહે છે તેમજ વરસાદી પાણી પણ જમીનમાં ઉતરવાના કારણે જમીનનું જળસ્તર પણ ઊંચું આવશે.
Join Our Official Telegram Channel: