Gujarat Agriculture News:  સૌરાષ્ટ્રમાં મગફળીનું બંપર ઉત્પાદન થયું છે. લાભ પાંચમથી માર્કેટ યાર્ડ ખુલતા મોટા પ્રમાણમાં ખેડૂતો જણસી વેચવા આવી રહ્યા છે. આ દરમિયાન મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થતાં 20 નવેમ્બર સુધી મગફળી લાવવા પર રોક લગાવાઈ છે.


કેમ લેવાયો નિર્ણય


મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજારમાં મગફળીની બમણી આવક થતા યાર્ડમાં વ્યાપક ભરાવો થઈ જતા આ  નિર્ણય લેવામાં આવ્યો છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં દૈનિક મગફળીની 15 થી 20 હજાર ગુણીની આવક થઈ રહી છે. આજથી એટલે કે તારીખ 16 થી 20 નવેમ્બર સુધી મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.


મગફળીના પાકમાં સફેદ મુંડાનો જોવા મળે તો અટકાવવા અપનાવો આ ઉપાય


મગફળીનો પાક લેતી વખતે જોવા મળતી વિવિધ જીવાતના નિવારણ અંગે જરૂરી સુચનો આપવામાં આવ્યા છે. જે અનુસાર મગફળીના પાકમાં સફેદ ઘૈણ (મુંડા) નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે જોવા મળતો હોય છે. જેનો નિકાલ ન કરતા  ઘૈણની ઈયળો તંતુમૂળ અને ત્યાર બાદ મુખ્ય મુળને કાપીને સમગ્ર પાકને નુકશાન કરે છે. આ નુકશાન ચાસમાં આગળ વધતા મગફળીના છોડ સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે, અને મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. જો ઘૈણનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે તો સંકલિત જીવાત નિયંત્રણ અંતર્ગત પાક અને જીવાતની પરિસ્થિતિ અનુસાર આ મુજબના પગલાં લેવા સંબંધિત ખેડૂતોને જાણ કરવામાં આવે છે.


સફેદ ધૈણનો ઉપદ્રવ અટકાવવા લો આ પગલાં


* પ્રમાણમાં સારો વરસાદ થયા પછી જર્મીનમાં પડી રહેલ સુષુપ્ત ઢાલિયા સંધ્યા સમયે જમીનમાંથી બહાર નિકળીને  ખેતરના શેઢા-પાળા પર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવે છે. આ ઢાલિયાને ઝાડના ડાળા હલાવી, નીચે પાડી, વીણાવી લઈ, કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવાનો હોય છે.


*ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના બધા પાન ઉપર સારી રીતે છંટાય તે પ્રમાણે ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ અથવા ક્લોસ્પાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિલિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.





 દીવેલીનો ખોળ ૫૦૦ કિગ્રા/ હેકટર પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવાથી ધૈણ ઉપરાંત મગફળીના પાકમાં ડોડવાને નુકશાન કરતી જીવાતો સામે પણ રક્ષણ આપી શકાય છે.


* ઘૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમા આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો.


* બ્યુવેરિયા બેસિયાના અને મેટારિઝિયમ એનિસોપ્કિયા નામની ફુગનો પાઉડર ૨૫ ગ્રામ એક કિગ્રા બીજને માવજત આપી વાવેતર કરવું. ઉગવાના ૩૦ દિવસ પછી આ ફુગ ૧ કિગ્રા ૩૦૦ કિગ્રા દિવેલી ખોળ સાથે ભેળવી છોડની હરોળમાં આપવી.


* સામુહિક ઉપાયોની સાથે સાથે વ્યક્તિગત ધોરણે પણ પોતાનો પાક બચાવવા દરેક ખેડૂતે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૫ મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલમિલિ અથવા ક્લોથીયાનિડીન ૫૦ ડબલ્યુડીજી ૨ ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ ૬.૫ મિલિ પ્રતિ કિગ્રા બીજ પ્રમાણે બીજ માવજત વાવતા પહેલા ત્રણ કલાકે આપી છાંયડામાં સુકવી વાવેતર તરીકે ઉપયોગ કરવો.


* મીથોક્સી બેન્ઝીન આ જીવાતના બધા પુખ્ત કીટકો એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસ્તીને કાબૂમાં રાખી શકાય. તેનો ઉપયોગ કરવા, ૫ × ૫ સેં.મી. ના વાદળી (સ્પોંજ)ના ટૂકડા કરવા, જેને ૪૫-૫૦ સે.મી. લાંબા લોખંડના પાતળા તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી અને બીજા છેડે નાનો પથ્થર બાંધવો. આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી. વાદળીના ટુકડા પર ટપકણીયામાંથી ૩ મિલિ જેટલું મીથોક્સી બેન્ઝીન ટીપે ટીપે રેડવું.


* ઉભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ૨૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી હેક્ટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જો પિયત આપવાનું થતુ ન હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક છાંટવાના પંપમાં દ્રાવણ ભરી તેની નોઝલ કાઢી લઈ ચાસમાં પુરતા પ્રમાણમાં આપવી.


 * આ કીટનાશકને રેતી સાથે ભેળવી વરસાદ પહેલા ચાસની બાજુમાં રેડવાથી પણ સારા પરિણામ મેળવી શકાય.