gujarat farmers relief package: ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મોટા આંકડા રજૂ કર્યા છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે રાજ્યના 29.30 લાખથી વધુ ખેડૂતોને અત્યાર સુધીમાં કૃષિ રાહત પેકેજ (Agriculture Relief Package) અંતર્ગત કરોડો રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદીમાં પણ રાજ્ય સરકારે નવી સિદ્ધિ હાંસલ કરી છે.
નુકસાની સામે વળતર: ઐતિહાસિક પેકેજનો લાભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને મળેલી સહાયની વિગતો જાહેર કરી હતી. ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન બદલ સરકારે બે અલગ અલગ ઐતિહાસિક પેકેજ જાહેર કર્યા હતા. સરકારના ડેટા મુજબ, અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ખેડૂતોના કુલ 8,710 કરોડ રૂપિયાના ઓનલાઇન બિલો જનરેટ કરવામાં આવ્યા છે. જેમાંથી પ્રક્રિયા પૂર્ણ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે 29.30 લાખ ખેડૂતોના બેંક ખાતામાં સીધા 8,516 કરોડ રૂપિયા જમા કરી દેવામાં આવ્યા છે.
ટેકાના ભાવે ખરીદી: ખેડૂતોને મળ્યા ભાવ
સરકારે માત્ર નુકસાનીનું વળતર જ નથી આપ્યું, પરંતુ ખેડૂતોના ઉત્પાદનને યોગ્ય ભાવે ખરીદવાની વ્યવસ્થા પણ કરી છે. રાજ્યમાં હાલ મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકો (Kharif Crops) ની ટેકાના ભાવે ખરીદી (Minimum Support Price - MSP) ચાલી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યના 6.79 લાખ ખેડૂતોએ લાભ લીધો છે અને તેમની પાસેથી 10,698 કરોડ રૂપિયાના મૂલ્યના 14.91 લાખ મેટ્રિક ટન પાકની ખરીદી કરવામાં આવી છે. આ ખરીદી સામે 4.16 લાખ ખેડૂતોને 6,573 કરોડ રૂપિયાનું ચૂકવણું પણ કરી દેવાયું છે.
મગફળી વેચનાર ખેડૂતો માલામાલ
ગુજરાતમાં મગફળીનું (Groundnut Production) ઉત્પાદન પુષ્કળ થાય છે ત્યારે તેની ખરીદીના આંકડા પણ ચોંકાવનારા છે. ટેકાના ભાવ (Minimum Support Price - MSP) પર થયેલી ખરીદીમાં સૌથી મોટો હિસ્સો મગફળીનો છે. આંકડા મુજબ:
કુલ 6.26 લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદાઈ.
કુલ 14.18 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ.
આ મગફળીનું કુલ મૂલ્ય 10,300 કરોડ રૂપિયા થાય છે.
જેમાંથી 3.89 લાખ ખેડૂતોના ખાતામાં 6,362 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે.
સરકારે ખાતરી આપી છે કે બાકી રહેલા ખેડૂતોને પણ નિયત સમયમર્યાદામાં તેમની રકમ ચૂકવી દેવામાં આવશે.