Gujarat digital farmer ID: ખાતરની સંગ્રહખોરી અને કાળાબજારીને રોકવા માટે ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં એક બહુ મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યના દરેક ખેડૂતે ખાતરની ખરીદી ઓનલાઈન જ કરવાની રહેશે. આ નવી સિસ્ટમ માટે ખેડૂતની જમીનની તમામ વિગતો અને રેકોર્ડને ડિજિટલ સ્વરૂપે અપડેટ કરીને દરેક ખેડૂત માટે એક વિશિષ્ટ 'ફાર્મર ID' જનરેટ કરવામાં આવશે. નવી પોલિસી હેઠળ આધાર કાર્ડના ઓથેન્ટિકેશન (ખરાઈ) બાદ ખેડૂતને દર મહિને 50 બેગ (થેલી) ખાતર આપવાનું સરકારે નક્કી કર્યું છે.

જમીન અને પાકની જરૂરિયાત મુજબ મળશે ખાતર

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા "National Fertilizer Sales Framework" (નેશનલ ફર્ટિલાઈઝર સેલ્સ ફ્રેમવર્ક) ના અમલીકરણ માટે મહત્વનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ કેન્દ્ર સરકારના 'એગ્રીસ્ટેક પ્રોજેક્ટ' અંતર્ગત ખેડૂતોની 'ફાર્મર રજિસ્ટ્રી' ને તેમના ડિજિટલ લેન્ડ રેકોર્ડ (જમીનના 7/12 ના ઉતારા) સાથે લિંક કરવામાં આવશે. અત્યાર સુધી POS મશીન દ્વારા આધાર કાર્ડ સ્કેન કરીને ખાતર અપાતું હતું, પરંતુ હવે નવી સિસ્ટમથી ખેડૂતોને તેમની જમીન અને વાવેલા પાકની વાસ્તવિક જરૂરિયાત મુજબ જ સબસિડીયુક્ત ખાતર મળી રહેશે.

Continues below advertisement
Continues below advertisement

કેવી રીતે કરી શકાશે ઓનલાઈન અરજી?

ખાતરની ખરીદી સરળ અને પારદર્શક બનાવવા માટે સરકારે પાંચ સરળ પગલાં નક્કી કર્યા છે.

ખેડૂતો સરકારી FSAS એપ, વેબ પોર્ટલ, સીએસસી (CSC) કેન્દ્ર અથવા PACS મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.

આ સિવાય સહકારી મંડળી અથવા માન્ય ખાતર ડીલરની મદદથી પણ અરજી કરી શકાશે.

નોંધણી માટે ખેડૂત પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે.

પોર્ટલ પર ખેડૂતોએ પોતાની જમીન અને વાવેતર કરેલા પાકની વિગતો પસંદ કરવાની રહેશે અને અંતે જરૂરી ખાતરની માગણી નોંધાવીને અરજી સબમિટ કરવાની રહેશે.

આ પણ વાંચોઃ પશુપાલકોને મોટો ઝટકો: દૂધસાગર ડેરીએ સાગર દાણના ભાવમાં કર્યો ₹250નો તોતિંગ વધારો!

10 ખાસ કિસ્સાઓ માટે સરકારે નક્કી કર્યા વિકલ્પો

ઘણા કિસ્સાઓમાં ખેડૂતોના નામ 7/12 કે 8-અ ના ઉતારામાં સીધા નોંધાયેલા હોતા નથી (જેમ કે વારસાઈ બાકી હોય, ભાગિયા ખેડૂત, કે મંદિર/ટ્રસ્ટની જમીન). આવા 10 અલગ-અલગ અપવાદરૂપ કિસ્સાઓમાં પણ વાસ્તવિક ખેતી કરતા ખેડૂતને ખાતરથી વંચિત ન રહેવું પડે તે માટે ઓનલાઈન સિસ્ટમમાં વિશેષ ઓપ્શન ઊભા કરવામાં આવ્યા છે:

વારસાઈ ન થઈ હોય: ખેડૂત પુત્રએ પેઢીનામા સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તલાટી ખરાઈ કરશે.

ભાડુઆત અથવા ભાગિયા ખેડૂતો: મૂળ માલિકે ઓનલાઈન સિસ્ટમમાં જઈને પોતાના ભાડુઆત કે ભાગિયાને ખાતર ખરીદવા માટે ઑથોરાઇઝ્ડ (અધિકૃત) કરવાના રહેશે.

વન અધિકાર પત્ર: જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને જિલ્લા ખેતીવાડી અધિકારી ઑથોરાઇઝ્ડ કરશે.

મંદિર/ટ્રસ્ટની જમીન: મંદિર કે ટ્રસ્ટના સંચાલકોએ ખેતી કરતા વ્યક્તિને સિસ્ટમમાં ઑથોરાઇઝ્ડ કરવાના રહેશે.

સરકારી/યુનિવર્સિટીની જમીન: સક્ષમ અધિકારી દ્વારા સિસ્ટમમાં કર્મચારીઓને ઑથોરાઇઝ્ડ કરાશે.

મહેસૂલી પ્રક્રિયા ચાલુ હોય: જો જમીન વેચાઈ ગઈ હોય પણ નામે કરવાની પ્રક્રિયા બાકી હોય, તો જૂના માલિકે નવા માલિકને ઑથોરાઇઝ્ડ કરવાના રહેશે.

રાજસ્વ પટ્ટા ધારકો: નદી કે ડેમની જમીન ભાડે રાખનાર ખેડૂતો માટે મામલતદાર મંજૂરી આપશે.

મિશ્ર ખાતરના ઉત્પાદકો: FCO હેઠળ લાઈસન્સ ધરાવતી કંપનીઓને ખેતી નિયામક ઑથોરાઇઝ્ડ કરશે.

સંયુક્ત જમીન માલિકી: પરિવારના અન્ય સભ્યોએ ભેગા મળીને વાસ્તવિક ખેતી કરતા સભ્યને સોગંદનામું રજૂ કરીને અધિકાર આપવાનો રહેશે.

આ પણ વાંચોઃ ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

પ્રોજેક્ટ માટે 3.13 કરોડનું આઉટસોર્સિંગ બજેટ મંજૂર

મધ્યપ્રદેશમાં અમલમાં મુકાયેલી 'ઈ-વિકાસ' પદ્ધતિની જેમ જ ગુજરાતમાં CRIPS નો ટેકનિકલ સપોર્ટ લેવામાં આવશે. આખા રાજ્યમાં આ સિસ્ટમ લાગુ કરવા માટે કુલ 40 જગ્યાઓ (1 પ્રોજેક્ટ મેનેજર અને 39 સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર) ની 11 મહિનાના કરાર આધારિત ભરતી કરાશે, જેના માટે 3.13 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.