Gujarat Govt. Scheme: ગુજરાતનો ખેડૂત આધુનિક બને અને લેટેસ્ટ ખેતીલક્ષી માહિતી, ટેકનોલોજીથી માહિતગાર થાય તે માટે રાજ્ય સરકારે ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા સહાય વિતરણના પ્રતિકરૂપે 33 ધરતીપુત્રોને રૂપિયા 1.84 લાખની સહાય અર્પણ કરી પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યમાં 5911 ખેડૂતોને રૂપિયા 3.37 કરોડની સહાય રકમ ચુકવવામાં આવી હતી.
રાજ્યભરમાં 70 જેટલા સ્થળોએથી સાડા ત્રણ હજારથી વધુ કિસાનશક્તિ આ કાર્યક્રમમાં સહભાગી થઇ હતી. આ યોજનાના પ્રારંભે રાજ્યમાં પ૯૧૧ ખેડૂતોને ૩.૩૭ કરોડ રૂપિયાની સહાય રકમ ચુકવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ ધરતીપુત્રોને પ્રેરણા આપતાં જણાવ્યું કે વડાપ્રધાનએ ડિઝીટલ ક્રાંતિનો જે સંકલ્પ આપણને આપ્યો છે. તેમાં ગુજરાતનો ખેડૂત કયાંય પાછો ન પડે અને ર૧મી સદીમાં આ ડિઝીટલ ક્રાંતિની સદીમાં સ્માર્ટ ફોનના વ્યાપક ઉપયોગથી કિસાન પણ સ્માર્ટ-સજ્જ બને તેવી આપણી નેમ છે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજના યુગમાં શિક્ષણ, માર્કેટીંગ, ફોટોગ્રાફી, જ્ઞાન-વિજ્ઞાન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારે ખેડૂતો પણ ખેતીમાં સ્માર્ટ ફોન અપનાવે તે જરૂરી છે. રાજ્ય સરકારે ખેડૂતોને આ હેતુસર સ્માર્ટ મોબાઇલ ફોન ખરીદી માટે સહાય આપવાનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, આ સ્માર્ટ ફોન ધરતીપુત્રો માટે અત્યંત ઉપકારક બની રહેશે. ખેડૂતને હવે વિવિધ સહાય-લોન માટે, વાતાવરણનો વર્તારો જાણવા, ખાતર-બિયારણ પાક પદ્ધતિ જેવી વિગતો અને માહિતી માટે ખેતર છોડી કયાંય જવું પડશે નહિ, પોતાના ખેતરમાં બેઠાં જ તેને એટ વન કલીક આ બધી સુવિધા સ્માર્ટ ફોનમાં હાથવગી થશે.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ઓનલાઇન અને ડિઝીટલ ટેક્નોલોજીના વધતા વ્યાપની સરાહના કરતાં કહ્યું કે, રાજ્યના કૃષિ વિભાગે શરૂ કરેલા આઇ-ખેડૂત પોર્ટલ પર એક જ વર્ષમાં ઓનલાઇન એપ્લીકેશનની સંખ્યા 27 લાખ 30 હજારે પહોચી છે તે જ ધરતીપુત્રોની જાગૃતિનું પ્રમાણ છે. મુખ્યમંત્રીએ ખેડૂતો-કૃષિકારોને ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી દવા છંટકાવ સહિતની કૃષિવિષયક પદ્ધતિ તથા પ્રાકૃતિક ખેતીના વધુને વધુ ઉપયોગથી ઝીરો બજેટ-રસાયણમુકત ખેતી તરફ વળવા પણ આહવાાન કર્યુ હતું.