Gujarat Kharif sowing report: ચાલુ ખરીફ સિઝન-2026 માં મેઘરાજાની મહેર અને ખેડૂતોની અથાક મહેનતનું શાનદાર પરિણામ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં વાવણીની કામગીરી હવે લગભગ પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે. તમને જાણીને આનંદ થશે કે, રાજ્યના સરેરાશ વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં 72.47 લાખ હેક્ટર જમીનમાં એટલે કે આશરે 85% વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. ગુજરાતના કૃષિ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન કપાસ અને મગફળીએ કુલ વાવેતરમાં 57% થી પણ વધુનો માતબર હિસ્સો નોંધાવ્યો છે.

Continues below advertisement

કપાસ અને મગફળી રહ્યા ખેડૂતોની પહેલી પસંદ

દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા ખેડૂત મિત્રોએ કપાસ અને મગફળી પર સૌથી વધુ વિશ્વાસ મૂક્યો છે.

Continues below advertisement

કપાસ: રાજ્યમાં સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, જે તેના સામાન્ય વિસ્તારના 89% જેટલું થાય છે.

મગફળી: કપાસ પછી બીજા નંબરે મગફળીનું 20.41 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે મગફળીનું વાવેતર તેના સામાન્ય વિસ્તારની સરખામણીએ 107% એટલે કે 100% ના આંકડાને પણ પાર કરી ગયું છે.

આ પાકોએ તોડ્યા રેકોર્ડ: વાવેતર 100% ની પાર

ચાલુ ખરીફ સિઝનમાં ખેડૂતોએ કેટલાક પાકોના વાવેતરમાં અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો છે, જેના કારણે આ પાકોનું વાવેતર સામાન્ય વાવેતર વિસ્તાર કરતાં 100% થી વધુ થઈ ગયું છે:

સોયાબીન: સામાન્ય વિસ્તારની સામે સૌથી વધુ 3 લાખ હેક્ટરમાં (107%) વાવણી થઈ છે.

અડદ: અડદનું વાવેતર પણ 84,510 હેક્ટરમાં (103%) સંપન્ન થઈ ચૂક્યું છે.

ધાન્ય અને કઠોળ પાકોની સ્થિતિ પર એક નજર

ધાન્ય પાકો:

ધાન્ય પાકોનું કુલ વાવેતર 11.99 લાખ હેક્ટરમાં એટલે કે સામાન્ય વાવેતરના 87% નોંધાયું છે.

ડાંગર: 7.61 લાખ હેક્ટર (86%) ના વાવેતર સાથે ડાંગર મોખરે છે.

મકાઈ: 2.68 લાખ હેક્ટર (95%) સાથે મકાઈ બીજા ક્રમે છે.

બાજરી: બાજરીનું વાવેતર 1.51 લાખ હેક્ટરમાં (84%) થયું છે.

જુવાર: ખાસ નોંધવા જેવી વાત એ છે કે જુવારનું વાવેતર 12,402 હેક્ટરમાં થયું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં તે 6,581 હેક્ટર હતું, જેનો અર્થ એ કે આ વર્ષે જુવારનું વાવેતર લગભગ બમણું થઈ ગયું છે.

આ પણ વાંચોઃ 15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ

કઠોળ પાકો:

કઠોળનું કુલ વાવેતર 3.57 લાખ હેક્ટરે એટલે કે 86% સુધી પહોંચ્યું છે.

તુવેર: 2.38 લાખ હેક્ટર (93%)

મગ: 25,301 હેક્ટર (45%)

મઠ: 8,673 હેક્ટર (59%)

તેલીબિયાં અને અન્ય પાકોનો અહેવાલ

તેલીબિયાં પાકો:

મગફળી અને સોયાબીનના શાનદાર વાવેતર સાથે તેલીબિયાંનું કુલ વાવેતર 25.93 લાખ હેક્ટર નોંધાયું છે, જે સામાન્ય વિસ્તારના 88% છે. આ સિવાય રાજ્યમાં દિવેલા (એરંડા) નું વાવેતર 2.38 લાખ હેક્ટરમાં અને તલનું વાવેતર 14,581 હેક્ટરમાં થયું છે.

અન્ય પાકો:

શાકભાજી: રાજ્યમાં 2.17 લાખ હેક્ટરમાં (81%) શાકભાજી વવાયા છે.

ઘાસચારો: પશુધન માટે અત્યંત મહત્વના એવા ઘાસચારાનું વાવેતર 7.21 લાખ હેક્ટરમાં (71%) થયું છે.

ગુવાર સીડ: ગુવાર સીડનું વાવેતર 34,762 હેક્ટરમાં એટલે કે 40% જેટલું પૂર્ણ થયું છે.