Horticulture Farming: બાગાયતી ખેતી દ્વારા ખેડૂતો પારંપરિક ખેતી સિવાય ફળ અને ફૂલોની ખેતી કરી અને સફળતા મેળવી શકે છે. અમરેલી જિલ્લામાં પારંપારિક રીતે કપાસનું મુખ્ય વાવેતર થાય છે તેનાથી થોડું જુદું ફૂલોની ખેતી કરીને અમરેલી શહેરની ભાગોળે આવેલા નવા ગીરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ગિરિશભાઈએ સફળતાની સુવાસ પ્રાપ્ત કરી છે. નવા ગીરિયા ગામના ખેડૂત ગિરીશભાઈ જોગાણી છેલ્લા એક દશકા કરતાં વધુ સમયથી ફૂલોની ખેતી કરી રહ્યા છે. ફક્ત ફૂલોની ખેતી જ નહીં પરંતુ તેના છુટક વેચાણ દ્વારા તેમણે સમગ્ર પંથકમાં નામના અને આર્થિક સમૃદ્ધિ સહિતની ગૌરવભરી સફળતા મેળવી છે.
આધુનિક ઢબે 'પોલી હાઉસ' અને પારંપરિક ઢબે ફૂલોની ખેતી
ગિરિશભાઈ આધુનિક ઢબે 'પોલી હાઉસ' અને પારંપરિક ઢબે ફૂલોની ખેતી કરી અને ગિરિશભાઈએ સફળતા મેળવી છે. પ્રગતિશીલ ખેડૂત ગિરિશભાઈ જોગાણીના ખેતરમાં દેશી-વિદેશી ફૂલોની મહેંક મહેંકતી જોવા મળે છે. તેઓ દેશ-વિદેશના જાતભાતના ગુલાબની મુખ્યત્વે ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત તેમના ઉત્પાદનમાં જીપ્સોફિલા નામના અતિ મૂલ્યવાન અને મોંઘેરા ફૂલો પણ થઈ રહ્યા છે. આ ફૂલોનો ઉપયોગ સુશોભન તેમજ શણગારમાં કરવામાં આવે છે.
વિવિધ ફૂલોની ખેતીથી કરે છે કમાણી
ફૂલોની વિવિધતા વિશેની માહિતી આપતા તેમણે જણાવ્યુ કે, ''અમે છેલ્લા ઘણા સમયથી ફૂલોની ખેતી કરી રહ્યા છે. અહીંયા 'પોલી હાઉસ' એટલે કે પોલીથીન જેવા સુરક્ષા કવચના રક્ષિત ઘરમાં ટપક સિંચાઈ પદ્ધતિથી સૂર્યના સીધા પ્રકાશથી કિંમતી ફૂલોને બચાવીને ખેતી કરવામાં આવે છે. ફૂલોની વિવિધતા વિશે વાત કરવામાં આવે તો અહીં જરબેરા, 10-12 કલરના વિવિધ પ્રજાતિના ગુલાબ, બેબી પિંક, સેવંતી, બીજલી, ગલગોટા, તેમજ ગુલદસ્તોમાં વપરાતા લીલા છોડ કામીનીના મીની જંગલનું વાવેતર કરવામાં આવે છે. હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી હોય આ ફૂલોની ખૂબ માંગ રહે છે. ગિરિશભાઈના વાવેલા ફૂલો પૈકીના જિપ્સોફિલાની એટલી બધી માંગ છે કે, આ ફૂલોની 10 ડાળીનો સિઝનમાં આશરે 8૦૦ રુપિયા સુધીનો ભાવ મળે છે." અમરેલી શહેરમાં ખેડૂત ગિરિશભાઈની વર્ષોથી છુટક દુકાન છે જ્યાં ખેતરથી આવતા ફૂલોને સીધા વેચાણ અર્થે મૂકવામાં આવે છે.
શ્રેષ્ઠ ખેડૂતનું મળ્યું છે સન્માન
ગિરિશભાઈ જોગાણીને તેમની ખેતી માટે બાગાયત વિભાગ દ્વારા સરકારનું 'શ્રેષ્ઠ ખેડૂત આત્મા'નું સન્માન પણ મળ્યું છે. બાગાયતી ખેતી વિશે માહિતી આપતા નાયબ બાગાયત નિયામકે જણાવ્યું કે, બાગાયતી ખેતી માટે નિયમ મુજબ ધારાધોરણ સાથે લાગુ પડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ ચોક્કસ રકમ સહાય ચૂકવવામાં આવે છે. ગિરિશભાઈને પણ અગાઉ આ અંગેની સહાય આપવામાં આવી હતી. બાગાયતી ખેતીમાં પણ વિપૂલ પ્રમાણમાં તકો તેમજ સરકારની જુદી-જુદી બાગાયતી યોજનાઓમાં વિવિધ લાભ મળી રહે છે આથી ખેડૂતોએ તેનો લાભ લેવો જોઈએ.'