Kharif Marketing Season 2025: ગુજરાત સરકારે ખેડૂતોને તેમના ખરીફ પાકોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી ખરીફ માર્કેટીંગ સિઝન 2025-26 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) પર ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદીની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા આ ખરીદી 1 નવેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવશે. આ વર્ષે સરકારે બાજરી, જુવાર અને રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ ₹300 નું બોનસ આપવાની પણ જાહેરાત કરી છે. જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક હોય, તેમણે 1 થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે.

Continues below advertisement

ટેકાના ભાવ અને ખેડૂતોને બોનસની વિગતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવીને પાકોના પોષણક્ષમ ભાવ નક્કી કર્યા છે. આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા સીધી કરવામાં આવશે.

Continues below advertisement

નિર્ધારિત લઘુતમ ટેકાના ભાવ (MSP) પ્રતિ ક્વિન્ટલ:

પાક

ટેકાનો ભાવ ( પ્રતિ ક્વિન્ટલ)

ડાંગર (કોમન)

₹2369

ડાંગર (ગ્રેડ-એ)

₹2389

મકાઈ

₹2400

બાજરી

₹2775

જુવાર (હાઇબ્રીડ)

₹3699

જુવાર (માલદંડી)

₹3749

રાગી

₹4886

રાજ્ય સરકાર તરફથી બોનસ:

  • બાજરી, જુવાર અને રાગીના ખેડૂતોને ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ ₹300 નું વધારાનું બોનસ આપવામાં આવશે.

નોંધણી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો

લઘુતમ ટેકાના ભાવે પોતાનો પાક વેચવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે.

  • નોંધણી સમયગાળો: આવતીકાલ, 1 થી 31 ઓક્ટોબર 2025 સુધી.
  • નોંધણી સ્થળો: સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) મારફતે અથવા તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે નોંધણી કરાવી શકાશે.
  • ફરજિયાત: નોંધણી ફક્ત ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ કરવામાં આવશે.
  • ખરીદીનો સમયગાળો: 1 નવેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2026 સુધી.

નોંધણી માટે જરૂરી દસ્તાવેજો:

  1. આધાર કાર્ડની નકલ.
  2. અદ્યતન ગામ નમૂનો 7/12/8-અ ની નકલ.
  3. જો ગામ નમૂના 12 માં પાકની વાવણીની નોંધ ન હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો.
  4. ખેડૂતના નામના બેંક ખાતાની વિગત (બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ).

ખરીદી સમયે સૂચનાઓ અને મહત્વપૂર્ણ ચેતવણી

નિગમ દ્વારા ખેડૂતોને નોંધણી સમયે ખાસ કાળજી રાખવા અને ખરીદી માટેની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો છે.

  • જાણ: નોંધણી કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે.
  • ખરીદી સમયે: ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે અને જથ્થાની ખરીદી બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ થશે.
  • દસ્તાવેજની ચકાસણી: ખેડૂતોએ નોંધણી સ્થળ છોડતા પહેલા ખાતરી કરવી કે તમામ દસ્તાવેજો સુવાચ્ય રીતે અપલોડ થયા છે. જો ચકાસણી દરમિયાન ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હશે, તો જે તે ખેડૂતનો ક્રમ રદ કરવામાં આવશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહીં.

નોંધણી બાબતે વધુ માહિતી અને સહાયતા માટે હેલ્પલાઇન નંબર 85111 71718 અને 85111 71719 પર સંપર્ક કરી શકાય છે.