DAP Fertilizers Shortage in Gujarat: : ગુજરાતના વધુ એક જિલ્લામાં DAP ખાતરની અછત સામે આવી છે. જેને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતોને તાત્કાલિક ડીએપી ખાતરનો જથ્થો પૂરું પાડવા રજૂઆત કરી છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોને એરંડા અને રાયડાના વાવેતરની શરૂઆતમાં ડીએપી ખાતરની તાતી જરૂરિયાત હોવાની રજૂઆત કરવામાં આવી છે.


આ ઉપરાંત લાઠી-બાબરાના ધારાસભ્ય વીરજી ઠુંમરે પણ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. સરકારે ટેકાના ભાવે મગફળી સહિતની નોંધણી કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. ગ્રામ પંચાયતના VCE ની હડતાલને લઇ કામગીરી બંધ હોવાના કારણે ખેડૂતો પરેશાન હોવાની વાત પત્રમાં લખી છે. ખેડૂત માટે સરકારે પ્રસિદ્ધ કરેલ જાહેરાતની તાત્કાલિક અમલવારી કરી ઓન લાઈન કામગીરી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે.


મહેસાણા બાદ રાજ્યના વધુ એક જિલ્લામાં DAP ખાતરની અછત


ગુજરાતમાં ખેતીની સીઝન ચાલી રહી છે. આ દરમિયાન ખાતરની મોટી જરૂર પડે છે. મહેસાણા બાદ રાજ્યના વધુ એક જિલ્લામાં ડીએપી ખાતરની અછત સર્જાઈ છે. વડોદરા જિલ્લાના ખેડૂતોને ડીએપી ખાતર નથી મળી રહ્યું. ડી.એ.પી ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થઈ ગયું છે.


ખેતી માટે ડી.એ.પી. પાયાનું ખાતર માનવામાં આવે છે


વડોદરાની શ્રી છાણી ખેડૂત સહકારી મંડળી  ખાતર નથી મળી રહ્યું. છેલ્લા એક અઠવાડિયાથી ડી.એ.પી ખાતર ની અછત છે. જેના કારણે જિલ્લાના 27 ગામના હજ્જારો ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેતી માટે ડી.એ.પી. પાયાનું ખાતર માનવામાં આવે છે. આ ખાતર જ ન મળતાં શાકભાજી, ડાંગરના પાક લેવા મુસીબત ઉભી થાય છે. સહકારી મંડળીના મેનેજરના કહેવા પ્રમાણે, વિવિધ કંપનીઓ ડી.એ.પી ખાતર પૂરું પાડતી હોય છે પણ હાલ કોઈ પણ કંપની પાસે ડી.એ.પી ખાતરનો સ્ટોક નથી.


થોડા દિવસ પહેલા મહેસાણામાં ઉઠી હતી માંગ


થોડા દિવસ પહેલા મહેસાણા જીલ્લામાં ડી એ પી ખાતરની અછત ઉભી થઈ હતી. જિલ્લાના સરદાર ડેપો પર ડી.એ.પી ખાતર ન મળતાં ખેડૂત પરેશાન થઈ ગયા છે. શિયાળુ અને ઉનાળુ પાકના પાયામાં આ ખાતરની જરૂર પડે છે. એરંડા, રાયડો, ઘંઉ સહિત વિવિધ પાકમાં ડીએપી ખાતરની જરૂર પડે છે.


ભારત ચીનમાંથી 45% DAP આયાત કરે છે


અધિકારીના જણાવ્યા અનુસાર, કોવિડ-19  મહામારી અને ચીન દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ખાતરનો પુરવઠો પ્રભાવિત થયો છે, જેના કારણે તેની કિંમતોમાં વધારો થયો છે. આ સ્થિતિમાં ભારત પહેલેથી જ પોતાની તૈયારીઓમાં લાગેલું છે. ભારત તેના ડીએપીના 45 ટકા અને કેટલાક યુરિયા ચીનમાંથી આયાત કરે છે. યુરિયા સિવાય ડીએપી અને અન્ય ફોસ્ફેટ ખાતરોના ભાવ ખાનગી કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. વૈશ્વિક કાચા માલના ભાવમાં વધારાને કારણે ડીએપીના સ્થાનિક ભાવમાં પણ વધારો થયો છે.


ગત વર્ષે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ખેડૂતોને ખાતર માટે પડી હતી હાલાકી


ગત ખરીફ અને રવિ સિઝનમાં ખેડૂતોને ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા રાજ્યોમાં ખેડૂતો ખાતર માટે વિરોધ કરતા જોવા મળ્યા હતા. ખાતરની અછતને કારણે કેટલાક ભાગોમાં વાવણી કાર્ય વિલંબિત થયું. ગુજરાતમાં ઘણી જગ્યાએ ખેડૂતોએ ખાતર માટે લાંબી લાઇનો લગાવી હતી. દેશના અન્ય રાજ્યોમાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી.