Natural Farming:  ગુજરાતમાં ઘણા ખેડૂતો રાસાયણીક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતી કરતાં લોકોને પ્રોત્સાહન આપી રહી છે. માંગરોળ તાલુકાના એક ખેડૂતે સફળ પ્રાકૃતિક ખેતી કરી રાસાયણિક ખેતી કરતા ખેડૂતો માટે એક દાખલો ઉભો કર્યો છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ ના કારણે કેરી પકવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે બીજી તરફ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના આંબા પર મબલખ પાક ઝૂલી રહ્યો છે ત્યારે ખેડૂતે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી છે. આ ખેડૂત કેરીની પ્રાકૃતિક ખેતીથી મબલખ કમાણી કરી રહ્યો છે.


કેટલા વર્ષથી કરે છે પ્રાકતિક ખેતી


ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની અસર સીધી કોઈ પણ પ્રકારની ખેતીને થઇ રહી છે ,ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે કેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઈ છે વાતાવરણ ની અસરને લઇ ચાલુ વર્ષે આંબા પર માંડ 30 ટકા પાક દેખાઈ રહ્યો છે ત્યારે માંગરોળ તાલુકાના વાંકલ ગામના ખેડૂત રાજકુમાર પટેલે વાતાવરણ થી વિપરીત પ્રાકૃતિક સફળ ખેતી કરીને અન્ય ખેડૂતો માટે એક દાખલો પૂરો પડ્યો છે. રાજકુમાર પટેલ પોતાની 18 વીઘા જમીનમાં 8૦૦ જેટલા આંબાના વૃક્ષોથી કેરીની ખેતી કરે છે.  તેઓ સુભાષ પાલેકર ગૌ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી છેલ્લા 4 વર્ષ થી ખેતી  કરી રહ્યા છે અને સફળ પણ થયા છે. તેમના ખેતરમાં આમ્રપાલી, કેસર, દશેરી, રાજાપુરી જેવી જાતો છે.




13 વર્ષ અને 4 વર્ષની ખેતીમાં જોવા મળ્યો મોટો તફાવત
વાંકલ ગામના ખેડૂત રાજકુમાર પટેલ  છેલ્લા 15  વર્ષથી આંબા વાડી કરીને કેરીની ખેતી કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી રાજકુમાર પટેલે સુભાષ પાલેકર ગૌ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને ખેતી કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષ દરમિયાનની ખેતી અને છેલ્લા 4 વર્ષની ખેતીમાં આસમાન જમીનનો ફર્ક દેખાઈ રહ્યો છે.