Milk Price Hike: ભારતમાં છેલ્લા કેટલાક મહિનામાં દૂધના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. મોંઘા દૂધથી પરેશાન લોકોને ક્યારે રાહત મળશે આ સવાનો ઇન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ ડૉ. રૂપિન્દર સિંહ સોઢી (Indian Dairy Association President Rupinder Sodhi) એ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. ડો.સોઢીએ જણાવ્યું કે ઉનાળાની સિઝન પૂરી થયા બાદ દિવાળી સુધી દૂધના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. ઉનાળાની ઋતુમાં દૂધની માંગ અનેકગણી વધી જાય છે. આઈસ્ક્રીમ, દહીં, છાશ વગેરે ઉત્પાદનોને કારણે દૂધની માંગ વધે છે અને તેની સાથે દૂધનો વપરાશ પણ વધે છે. આ સમયે ગરમીના મોજાને કારણે, દૂધનું ઉત્પાદન પણ ઘટે છે.


દૂધના ભાવમાં 13થી 15 ટકાનો વધારો થયો


દેશમાં છેલ્લા 15 મહિનામાં અનાજના ભાવમાં થયેલા વધારાને કારણે દૂધ પણ 13 થી 15 ટકા મોંઘું થયું છે. બીજી તરફ છેલ્લા કેટલાક મહિનામાં કમોસમી વરસાદના કારણે પશુઓના ઘાસચારાનું ઉત્પાદન પ્રભાવિત થયું છે. આવી સ્થિતિમાં તેમની કિંમતમાં જબરદસ્ત વધારો થયો છે. આ સાથે, કોરોના લોકડાઉનમાં કૃત્રિમ બીજદાનમાં પણ ઘટાડો થયો છે અને તેના કારણે દૂધ ઉત્પાદક પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.


આવી સ્થિતિમાં, ઓક્ટોબર 2022 થી ફેબ્રુઆરી 2023 મહિનામાં પણ દેશમાં દર વર્ષની સરખામણીમાં દૂધ ઉત્પાદનમાં કોઈ વધારો થયો નથી. લાઈવ મિન્ટમાં પ્રકાશિત અહેવાલ મુજબ અમૂલના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર ડૉ. આર.એસ. સોઢીએ કહ્યું કે અમારો પ્રયાસ છે કે અમે દેશમાં દૂધની અછત ન સર્જાવા દઈએ. આ માટે આગામી બે વર્ષમાં ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવશે, જેનો લાભ જનતા અને ખેડૂતો બંનેને મળશે.


મે મહિનામાં પડેલો વરસાદ ફાયદાકારક રહેશે


તેમણે એમ પણ કહ્યું કે માર્ચથી મે સુધીનો વરસાદ દૂધ ઉત્પાદનમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ દરમિયાન દૂધ ઉત્પાદનમાં 5 ટકાનો વધારો જોવા મળી શકે છે. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં દૂધ ઉત્પાદનમાં 15 ટકા જેટલો ઘટાડો થાય છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ભારત આગામી 25 વર્ષમાં 628 મિલિયન ટન સુધી દૂધનું ઉત્પાદન કરી શકશે. કૃષિ જીડીપીમાં અનાજનો હિસ્સો 37 ટકા હતો, જે હવે ઘટીને 17 ટકા થઈ ગયો છે. બીજી તરફ ડેરી એગ્રીકલ્ચરનો હિસ્સો 10 ટકાથી વધીને 24 ટકા થયો છે અને તેમાં વધુ વધારો થવાની સંભાવના છે.