Monsoon Update: ભારતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સામાન્યથી વધારે વરસાદ પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું આ વર્ષ ચોમાસામાંથી સરેરાશથી વધારે વરસાદની શક્યતા છે. સરેરાશ એલપીએ 103 ટકા હશે. આઈએમડીએ આ પહેલા  એપ્રિલમાં નવી એલપીએ રજૂ કરી હતી. જે 1971-2020ના દક્ષિણ-પશ્ચિમ મોનસૂના વરસાદી આંકડા પર આધારિત હતી. જે એલપીએ 87 સેમી કે 870 મિમી છે.


સામાન્યથી વધુ વરસાદની આગાહી


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય અને દક્ષિણ ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતા સારો રહેશે, જ્યારે ઉત્તર-પશ્ચિમની સાથે પૂર્વોત્તરમાં પણ ચોમાસું સામાન્ય રહેશે. આઇએમડીએ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓડિશામાં 106 ટકાથી વધુ વરસાદની આગાહી જારી કરી છે.


IMDના પ્રમુખે જણાવ્યું કે, આ વર્ષે મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પૂર્વોત્તર ભારતના ઉત્તરી વિસ્તારો સહિત મોટાભાગના વિસ્તારોમાં જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સારો વરસાદ પડવાની આશા છે. જોકે, કેરળ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, દક્ષિણી આસામ, ઓડિશા, છત્તીસગઢ, ગંગીય પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, જમ્મૂ કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોમાં આગામી 4 મહિના દરમિયાન સામાન્યથી ઓછા વરસાદની શક્યતા છે. 


ચોમાસું પડશે ધીમું ?


ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા પ્રમાણે દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ 29 મેથી જ ચાલું થઈ ચૂક્યું છે. જ્યારે તેના શરૂ થવાની સરેરાશ તારીખ 1 જૂન માનવામાં આવે છે. મંગળવારે ચોમાસું કેરળ અને તમિનલાડુના કેટલાક ભાગોમાં આગળ વધતું નજર આવ્યું હતું પરંતુ તેની રફ્તાર ધીમી પડવાની શક્યતા છે. IMDએ બેંગલુરુમાં 2 જૂનથી વરસાદ શરૂ થવાનું અનુમાન લગાવતા કર્ણાટકના 10 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરી દીધું છે. મહારાષ્ટ્રમાં આ વખતે ચોમાસું એક અઠવાડિયું વહેલા શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન IMDએ મંગળવારે તેની બીજી આગાહીમાં જણાવ્યું હતું કે, દેશમાં આ વખતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેશે.


ઉત્તર કેરળ કર્ણાટક અને મધ્ય તમિલનાડુમાં ચોમાસાના વરસાદની વધુ રાહ જોવી પડશે કારણ કે, આગામી બે દિવસ સુધી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગળ વધવાની શક્યતા ઓછી છે. ચોમાસાએ હજુ રફ્તાર નથી પકડી અને આ વિસ્તારમાં સારો વરસાદ નથી પડ્યો. છેલ્લા 24 કલાકમાં કેરળના 14માંથી 8 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે.