Agriculture News: ગુજરાતમા હાલ રવી સીઝનનું વાવેતર ચાલી રહ્યું છે. આ દરમિયાન ગોધરાનાં ખાતર ખરીદ કેન્દ્રો પર યુરિયા ખાતર નથીનાં બોર્ડ લાગ્યા છે. ખાતર ન મળતા ખેડૂતોને વિલા મોઢે પરત ફરવાનો વારો આવી રહ્યો છે. સહકારી ખરીદ વેચાણ સંઘ પાસે ખાતરનો જથ્થો ખુટી પડ્યો છે, જેના કારણે મકાઈ, ઘઉં, ચણા સહિત રવિ સિઝન પાક લેતા ખેડૂતોને મુશ્કેલી ઉભી થઈ છે.


પત્રમાં શું કરવામાં આવી રજૂઆત


ખાતરનો જથ્થો ફાળવવા ગોધરા એપીએમસીના ડિરેટકર તથા ધ પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લીના ડિરેક્ટર ગોપાલભાઈ ઘનશ્યામભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, પંચમહાલ જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ પાકની વાવણી કરેલી છે. હાલ ખેડૂતોને ખાતરની ખૂબ જ જરૂરિયાત ઉભી થઈ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ખાતરની ખૂબ જ અછત છે. પંચમહાલ જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજે 6 હજાર મેટ્રિક ટનની જરૂરિયાત છે. ખાતર વિતરણ કરતી કંપનીઓ દ્વારા જિલ્લામાં લક્ષ્યાંક મુજબની ફાળવણી થઈ નથી. જેના કારણે ખેડૂતોને વિતરણ થઈ શકતું નથી. જેથૂ ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે.




બનાસડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર


બનાસડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય કર્યો છે. દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદભાવમાં  રૂપિયા 30 નો વધારો કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે સતત ચોથી વાર દૂધના ખરીદ ભાવમાં વધારો થયો છે. અત્યાર સુધી દૂધના પ્રતિ કિલો ફેટે પર 760 ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે 30 નો વધારો થતા  પશુપાલકોને પ્રતિ ફેટે રૂપિયા 790 ચૂકવવામાં આવશે.


રઘુ દેસાઈનો લેટર બોંબ, જગદીશ ઠાકોર પર લગાવ્યો આ આરોપ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 156, કોંગ્રેસને 17, AAP ને 5 તથા અન્યને  4 સીટ મળી હતી. કોંગ્રેસના રકાસ બાદ પાર્ટીમાં કકળાટ શરૂ થયો છે. રાધનપુર કોંગ્રસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્યએ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને મોટો ઘટસ્ફોટ કર્યો છે.


મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં રઘુ દેસાઈએ પાર્ટીને હરાવનાર જવાબદાર નેતાઓ સામે કાર્યવાહી કરવા કરી માંગ કરી છે. ઉપરાંત તેમણે રાધનપુર બેઠક પર જગદીશ ઠાકોરના કારણે પરાજ્ય થયો હોવાનું પણ લખ્યું છે. તેમના પત્ર મુજબ, કેટલાક નેતાઓ પાર્ટીમાં રહી પાર્ટી વિરૂદ્ધ ચૂંટણીમાં કામ કર્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની નજીકના સાથીદારોએ હારમાં ભાગ ભજવ્યો છે. પાર્ટી વિરૂદ્દ કામ કરનાર લોકોને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કાબૂમાં રાખી શક્યા નથી. તેથી જગદીશ ઠાકોર સહિત પક્ષ વિરૂદ્ધ કામ કરનાર નેતાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઇએ તેમ પણ લખ્યું છે.