PM Kisan Scheme: પ્રધાનમંત્રી મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો આવતીકાલે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં આ યોજના અંતર્ગત અત્યાર સુધી 10 હપ્તાની રકમ મળી લાભાર્થી ખેડુત કુટુંબોને કુલ રૂ. 10334.76 કરોડ તેમના બેન્ક એકાઉન્ટમાં ચૂકવણી કરવામાં આવી છે.  જ્યારે 28.90 લાખ ખેડૂત પરિવારોને અગિયારમો હપ્તો ચુકવવા માટે કુલ રૂ. 11809.30 કરોડની ચુકવણી માટે આદેશ કરવામાં આવ્યો છે.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં પહેલા હપ્તા માટે તા.01/12/2018 થી 31/૦3/2019 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવેલ હતો, જ્યારે ત્યાર બાદ દર ચાર મહિનાના સમયગાળામાં સહાય મળવાપાત્ર થાય છે. અગાઉ આ યોજના હેઠળ ખેડૂત કુટુંબના તમામ સભ્યોની સંયુકત માલિકીની ખેડાણલાયક જમીન બે હેકટર સુધી હોય તેવા ખેડૂત કુટુંબને સહાય આપવામાં આવતી હતી, જેમાં તા. 7મી જૂન-2019થી બે હેકટરની મર્યાદા દૂર કરી તમામ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


ગુજરાતમાં દરેક હપ્તામાં કેટલા ખેડૂતોને મળ્યો લાભ


આ યોજના હેઠળ તા. 24મે-2022 સુધીમાં 63.31 લાખ ખેડૂત પરિવારોને પ્રથમ હપ્તો, 62.79 લાખ ખેડૂત પરિવારોને બીજો હપ્તો, 62.36 લાખ ખેડૂત પરિવારોને ત્રીજો હપ્તો, 59.42 લાખ ખેડૂત પરિવારોને ચોથો હપ્તો, 58.13 લાખ ખેડૂત પરિવારોને પાંચમો હપ્તો, 56.06 લાખ ખેડૂત પરિવારોને છઠ્ઠો હપ્તો, 53.80 લાખ ખેડૂત પરિવારોને સાતમો હપ્તો, 51.02 લાખ ખેડૂત પરિવારોને આઠમો હપ્તો, 46.49 લાખ ખેડૂત પરિવારોને નવમો હપ્તો, 48.17 લાખ ખેડૂત પરિવારોને દસમો હપ્તો આપવામાં આવ્યો છે.


કોણ છે સહાયનો લાભ લેવા પાત્ર


હેઠળ આ યોજના અતર્ગત ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ. 6,૦૦૦ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) માધ્યમથી આપવામાં આવે છે. આ સહાય ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચૂકવવામાં આવે છે. આ સહાયનો લાભ લેવા માટે પતિ, પત્ની અને સગીર બાળકો પૈકી કોઈપણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય અને સહાય મળવાપાત્ર ન હોય તેવી કેટેગરીમાં જો સમાવિષ્ટ હોય તેવા તમામ ખેડૂત કુટુંબો સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.


કેવી રીતે લેશો પીએમ કિસાન યોજનાનો લાભ


આ યોજનાનો લાભ લેવા માટે ખાતેદાર ખેડૂતોએ પોતાના ગામમાં જ નક્કી થયેલ સર્વિસ પ્રોવાઈડર મારફતે digitalgujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. અરજીકર્તાઓએ વિગતો સહિતનું ફોર્મ અને સંલગ્ન એકરારનામાની પ્રિન્ટ લઈ સહી કરી બેન્ક એકાઉન્ટ વિગત માટે ચેક અથવા પાસબુકની નકલ અને આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ ડેટા એન્ટ્રી કેન્દ્ર ખાતે જમા કરાવવાની હોય છે. આ યોજનાના અમલીકરણના પ્રથમ વર્ષના પ્રથમ હપ્તા તરીકે આધારકાર્ડ નંબર ન હોય તો, તેવા કિસ્સામાં આધાર એનરોલમેન્ટ નંબર, ડ્રાઈવિંગ લાયસન્સ, ચૂંટણીકાર્ડ ઓળખપત્ર તરીકે આપવાનું રહે છે. પરંતુ ત્યારબાદ આધારકાર્ડ તેમજ આધાર સીડેડ બેન્ક એકાઉન્ટની વિગત ફરજિયાત પણે આપવાની હોય છે.