Potato Farming: અરવલ્લી જિલ્લામાં બટાકાનો પાક તૈયાર થઇ ગયો છે પરંતુ વેચવા સમયે બટાકાના ભાવ નહિ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.  ગત વર્ષની સરખામણીમાં દોઢું ખર્ચ થયું છે જેની સામે ચાલુ વર્ષે ભાવ પોષણક્ષમ નહિ મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.

અરવલ્લી જિલ્લામાં રવી સીજનમાં ખેડૂતોએ 19 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું વાવેતર બાદ સારા વાતાવરણ ને પગલે ઉત્પાદન પણ સારું થયું છે પરંતુ ઉત્પાદન બાદ વેચવાના સમયે ભાવ ગગડી જતા ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ગત વર્ષની સરખામણીમાં ભાવ ખુબજ ઓછા મળી રહ્યા છે. ગત વર્ષે 20 કિલો બટાકા 250 થી 260 રૂપિયાના ભાવે વેચાતા  હતા તે એલઆર બટાકાના ચાલુ વર્ષે ભાવ હાલ ઘટીને 200 થી 220 રૂપિયા થઇ ગયા છે, તેમ છતાં કોઈ લેવાલ નથી.


ગત વર્ષની સરખામણીમાં ખાતર, ખેડ અને બિયારણ ઉપરાંત મજૂરી પણ બમણી થઇ ગઈ છે. જે મજુર ગયા વર્ષે રૂ. 200માં મળતા હતા એ ચાલુ વર્ષે  રૂ. 300 માં મળી રહ્યા છે એટલે ખેડૂતોને બટાકાના વાવેતર પાછળ ગત વર્ષ કરતા વધુ ખર્ચ અને આવક ઓછી જેવો ઘાટ થતા કરેલો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ ઉભી થતા મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા યોગ્ય ભાવ આપવામાં આવે કાતો વળતર ચૂકવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.


બટાકા મુદે કોગેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં રજૂઆત કરી છે. બટાકા ખેડૂતો પરિસ્થિતિ અંગે નિયમ 116 મુદે ચર્ચા કરવા ગૃહમાં પત્ર લખ્યો છે. જે મુજબ, રાજ્ય સરકાર ફક્ત ખેડૂતો માટે વાતો કરે છે, બટાકા વાવેતર થાય અને બટાકા ભાવ ન મળે ત્યાં સુધી પોસાતું નથી. ખેડૂતોના અગત્ય પ્રશ્નની ચર્ચા માટે નિયમ 116 મુજબ ચર્ચા કરવા ભલામણ કરી હતી,  પણ સરકારને રસ નથી.


ગુજરાતમાં બટાટા પકવતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વિચારણા કરશે‌ તેમ કેબિનેટ બેઠક બાદ મીડિયાને વિગતો આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાટાના બમ્પર વાવેતરના પરિણામે ભાવ ઓછા રહેવાની સંભાવના સામે ખેડૂતોને નુક્સાન ન થાય તે અંગે રાજ્ય સરકાર વિચારણા કરશે તેમ જણાવ્યું હતું.

રાજયમાં બટાટા પકવતાં મુખ્ય જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને ખેડાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં બટાટા પાકનું વાવેતર ઓક્ટોમ્બરથી ડિસેમ્બર માસ દરમ્યાન થાય છે જેમાં નવેમ્બર માસ મુખ્ય છે. બટાટાની બજારમાં આવક જાન્યુઆરી થી માર્ચ માસ સુધી ચાલુ રહેશે. જેમાંથી અંદાજીત જાન્યુઆરી માસમાં બટાટાની આવક બજારમાં આવવા લાગે છે જ્યારે કુલ આવકના લગભગ 72% આવક ફેબ્રુઆરી માસમાં અને માર્ચ માસમાં બાકી રહેતી 10% આવક બજારમાં આવે છે.