Groundnut MSP registration 2025: ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થતા જ ટેકનિકલ સમસ્યાઓ સામે આવી છે. પોર્ટલ પર એકસાથે વધુ ખેડૂતોનો ધસારો થતા સર્વર વારંવાર ડાઉન થઈ રહ્યું છે, જેના કારણે રજીસ્ટ્રેશન માટે લાઈનમાં ઊભેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ સમસ્યાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સરકારની ડિજિટલ વ્યવસ્થા પર સવાલો ઉઠાવી રહ્યા છે.
ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી ખરીફ પાક, ખાસ કરીને મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે. પરંતુ, પહેલા જ દિવસે સર્વર વારંવાર ડાઉન થતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. દ્વારકા અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં સવારથી જ ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહ્યા, છતાં પોર્ટલ ખુલી શક્યું ન હતું. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી છે અને ખેડૂતોને ધીરજ રાખવા અપીલ કરવામાં આવી છે. આ રજીસ્ટ્રેશન 15 દિવસ સુધી ચાલવાનું છે.
પહેલા જ દિવસે સર્વર ઠપ્પ
પાલ આંબલિયાએ આરોપ લગાવ્યો છે કે રજીસ્ટ્રેશન માટેનું ઈ-સમૃદ્ધ પોર્ટલ સવારથી જ બંધ છે. ખેડૂતો સવારથી લાઈનમાં ઊભા રહ્યા હોવા છતાં પોર્ટલ ખોલી શકાયું નથી. આ માત્ર આ વર્ષની સમસ્યા નથી, અગાઉ જુલાઈ 2025 માં અરજી માટે અને ઓક્ટોબર 2024 ના કમોસમી વરસાદના રાહત પેકેજ માટે પણ ઓનલાઈન અરજી થઈ શકી ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આ પરિસ્થિતિ સરકારના ડિજિટલ મેનેજમેન્ટ પર પ્રશ્નો ઊભા કરે છે.
ખેડૂતોની હાલાકી
ગીર સોમનાથ જિલ્લામાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ છે. વેરાવળના કોડીદ્રા ગામમાં ખેડૂતો ગત રાતથી જ લાઈનો લગાવીને બેઠા હતા, પરંતુ બીજા દિવસે બપોરના 3 વાગ્યા સુધી પણ સર્વર ડાઉન રહેતા નોંધણી પ્રક્રિયા અટકી પડી હતી. આના કારણે વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર જેવા તાલુકાઓમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
જિલ્લા મદદનીશ ખેતીવાડી અધિકારી અશોક ચૌધરીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, એક સાથે મોટી સંખ્યામાં ખેડૂતોનો ધસારો થવાને કારણે સર્વરમાં ખામી સર્જાઈ હોઈ શકે છે. આ મામલે ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી છે અને તેઓએ ખેડૂતોને ધીરજ રાખવા અનુરોધ કર્યો છે. તેમણે ખાતરી આપી કે કોઈપણ ખેડૂત રજીસ્ટ્રેશનથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા ખેતીવાડી કચેરી કટિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 20,000 ખેડૂતોએ મગફળી અને 4500 ખેડૂતોએ સોયાબીન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે આ સંખ્યામાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે પોર્ટલ પરનું ભારણ પણ વધી રહ્યું છે. ખેડૂતોએ વહેલી તકે સર્વર ફરીથી શરૂ થાય અને સહકારી મંડળીઓ મારફતે પણ નોંધણીની સુવિધા મળે તેવી માંગ કરી છે, જેથી તેઓ સરળતાથી પોતાનો પાક ટેકાના ભાવે વેચી શકે.