PM Samman Nidhi: કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સન્માન નિધિની યોજના હેઠળ 2000નો હપ્તો કેન્દ્ર સરકાર ખેડૂતોને આપી રહી છે. આ માટે દેશભરના ખેડૂતોનેઆગામી 31 ડિસેમ્બરે કે.વાય.સી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે કોમ્પ્યુટર ઓપરેટરનું આઈડી છેલ્લા ઘણા મહિનાથી બ્લોક કર્યું હોય જેને કારણે મોલડી ગામના ખેડૂતો પીએમ સન્માન નિધિની રકમથી અળગા રહે તેવી મોલડીનાના ખેડૂતોને દહેશત સતાવી રહી છે.


ફોર્મ સહિતની કામગીરીઓ મોલડી ગ્રામ પંચાયતમાં ઠપ્પ


મોલડી ગામમાં 817 જેટલા ખેડૂતો છે ત્યારે મોલડી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર વી.સી જે કરાર આધારિત હોય અને વીસીનું આઈ.ડી બ્લોક હોવાને કારણે છેલ્લા ઘણા મહિનાથી મોલડી ગામમાં 7 -12 અને  વિદ્યાર્થીઓને આવકના દાખલા સહિત સરકારની વિવિધ સહાયના ફોર્મ સહિતની કામગીરીઓ મોલડી ગ્રામ પંચાયતમાં ઠપ્પ જોવા મળી રહી છે. ખેડૂતો સહિત સ્થાનિક મોલડી વાસીઓમા ભારે કચવાટ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ પીએમ કિસાન સન્માન નિધિના 2000 ના હપ્તા માટે ખેડૂતોને કે.વાય.સી. ફરજિયાત રજીસ્ટર અપડેટ કરવાનું હોવાથી મોલડી ખાતે રોજબરોજ ખેડૂતો પોતાના કામ ધંધા અને ખેતી છોડીને ગ્રામ પંચાયત કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે.


પરંતુ કરમની કઠણાઈ એ છે કે વી.સી. નું આઈડી તંત્ર દ્વારા બ્લોક કરવાને કારણે ગ્રામ પંચાયતના તમામ કામો હાલ ખેડૂતોની કિસાન સન્માન નિધિની રકમ મેળવવા અને કે.વાય.સી. રજીસ્ટર અપડેટ કરાવવા ખેડૂતો ગ્રામ પંચાયત કચેરી ખાતે ધર્મના ધક્કા ખાઈને સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. મોલડી ગ્રામ પંચાયતની આઇડી બ્લોક હોવાને કારણે ગ્રામજનોને સામાન્ય 7 12 8 કઢાવવા માટે સાવરકુંડલા ધકો ખાવાનો વારો આવ્યો છે ત્યારે અરજદારોને પૈસાનો વ્યર્થ થાય છે. સામે સમય બગડી રહ્યો છે જે કામ ગ્રામ પંચાયતે થતા હોય છે તે કામ માટે 12 કીલોમીટર સાવરકુંડલા દૂર જવુ પડે છે.


છેલ્લા બે મહિનાથી વીસીનું આઈડી બ્લોક 


મોલડી ગ્રામ પંચાયત ખાતે છેલ્લા બે મહિનાથી વીસીનું આઈડી બ્લોક કરવાને કારણે ગ્રામજનોના કામો થઈ શકતા ન હોવાની વરવી વાસ્તવિકતાઓ વચ્ચે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો વિશે જે તે સમયે સરકાર સામે આંદોલન કરતા હતા ત્યારે અમરેલી જિલ્લાના વીસીઈનું પ્રતિનિધિ મંડળનું પ્રતિનિધિત્વ મોલડી ગ્રામ પંચાયતના વીસી શિવરાજ ખુમાણ કરતા હોવાને કારણે તંત્ર દ્વારા મોલડી ગ્રામ પંચાયતના વીસીઈનું આઈડી બ્લોક કર્યા હોવાનો આરોપ મોલડી ગામના વીસીઈએ લગાવ્યો છે.


કોઈપણ વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી નથી


વીસીએની લડત દરમિયાન કામે લાગી જવા જાણ કરાઈ હતી ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પરંતુ વીસી કહી રહ્યા છે કે સસ્પેન્ડનો અધિકાર ટીડીઓને નથી એ ગ્રામ પંચાયત આઈ ટી કમિટી ઠરાવ કર્યા બાદ સસ્પેન્ડ કરી શકે છે. મોલડી ગ્રામ પંચાયતના ખેડૂતોને મોલડીવાસીઓને ખોટી રીતે હેરાનગતિ કરતા હોવાની વિગતો મળી રહી છે. મોલડી ગ્રામ પંચાયત ખાતે વીસીઇ દરરોજ હાજર હોવા છતાં આઈડી બ્લોક હોવાથી એક પણ ખેડૂતોનું કેવાયસી રજીસ્ટર અપડેટ થઈ શકતું ન હોય અને 31 ડિસેમ્બર અપડેટ રજીસ્ટરની છેલ્લી તારીખ હોવા છતાં પણ હજુ સુધી વી.સી.નું આઈડી બ્લોકમાંથી રેગ્યુલર ચાલુ ન કરવાને કારણે ખેડૂતો સહિત મોલડી વાસીઓને પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે છતાં તંત્ર દ્વારા આજ દિવસ સુધી કોઈપણ વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી નથી.


વીસીએ કરેલા આંદોલનનો બદલો તંત્ર આઈડી બ્લોક કરીને લઇ રહ્યું છે કે કેમ તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે ત્યારે 31 ડિસેમ્બરને ધ્યાને લઈને 817 જેટલા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ માટે ઇ કેવાયસી પૂર્ણ થશે કે કેમ તે એક સવાલ છે.