Onion Price Falls: ભાવનગર જિલ્લામાં ખેડૂતોને ડુંગળીનાં ભાવ રડાવી રહ્યા છે. જેની વેદના ને લઈ ભાવનગર ભાજપ કિસાન મોરચાના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં ખેડૂતોને યાર્ડના ડુંગળીના વેચાણ ઉપર સહાય જાહેર કરવામાં આવે અને અન્ય દેશોમાં ડુંગળીના નિકાસ માટે પોલીસી ઘડવામાં આવે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ યાર્ડમાં ડુંગળીના સતત ગગડી રહેલા નીચા ભાવન કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે



ભાવનગર સૌથી વધું ડુંગળી પકવતો જિલ્લો ગણાય છે અને સારી ક્વોલિટીની ડુંગળીનું થાય છે ઉત્પાદન


ભાવનગર જીલ્લો રાજ્યમાં સૌથી વધુ ડુંગળી પકવતો જિલ્લો માનવામાં આવે છે.  સૌથી સારી ક્વોલિટીની ડુંગળી ભાવનગર જિલ્લામાં ઉત્પાદન થાય છે પરંતુ દુઃખની વાત એ છે કે ખેડૂતો મહા મહેનતે ડુંગળીનું ઉત્પાદન કર્યા બાદ પોતાનો માલ લઈને માર્કેટિંગ યાર્ડમાં વહેંચવા માટે જાય છે ત્યારે તેમને મજાક સમાન ભાવ મળી રહ્યા છે. જેની વાત કરવામાં આવે તો કિલો દીઠ 2.25 અને એક મણના 75 રૂપિયા ખેડૂતોને ઓછામાં ઓછો ભાવ મળ્યો છે જેના કારણે ખેડૂતો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે અને સરકાર સમક્ષ ડુંગળીના ભાવ વધારવા માટે માંગ કરી રહ્યા છે. આ સ્થિતિ આજકાલની નહીં પરંતુ છેલ્લા એક મહિનાથી ડુંગળીના ભાવ સતત નીચા જઈ રહ્યા છે જેના કારણે ભાવનગર જિલ્લાનો ખેડૂત આર્થિક દેવાના ડુંગર તળે દબાઈ રહ્યો છે.


શું લખ્યું છે પત્રમાં
 
ખેડૂતોને ડુંગળીના ઉત્પાદનમાં આર્થિક નુકસાની વેઠવાનો વારો આવતા ભાવનગર ભાજપના કિસાન મોરચાના પ્રમુખે મુખ્યમંત્રીને એક પત્ર પાઠવ્યો છે જે ખૂબ ચર્ચામાં આવ્યો છે. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે હાલ ભાવનગર, મહુવા, તળાજા અને પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહે છે પરંતુ તેની સામે ખેડૂતોને હરાજી દરમિયાન ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યાર્ડ વેચાણ ઉપર ખેડૂતોના હિતમાં ડુંગળીના વેચાણ ઉપર સહાય જાહેર કરવામાં આવી હતી એ જ રીતે હાલની પરિસ્થિતિ મુજબ ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે અન્ય દેશમાં ડુંગળીનો નિકાસ થાય તે માટે સરકાર પોલીસી ઘડે તેવી પણ માંગ ઉઠી છે.