વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ આ ચાર સાંસદોને લડાવી શકે છે ચૂંટણી, જાણો કોણ છે આ સાંસદો?

અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી 26મી ઓક્ટોબરે જાહેર થઈ શકે છે. હવે તમામની નજર રાજકીય પક્ષોના ઉમેદવારોના નામો પર મંડાઈ છે. એબીપી અસ્મિતા પાસે રાજકીય પક્ષોના ઉમેદવારો અંગે મહત્વની જાણકારી છે. એબીપી અસ્મિતા રાજકીય પક્ષોના ઉમેદવારો અંગે સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે. સૂત્રોનું માનીએ તો વિધાનસભાની ચૂંટણીમાં બંને મુખ્ય રાજકીય પક્ષો સાંસદોના ભરોસે છે.
કોંગ્રેસમાં 15 પૂર્વ સાંસદોએ ટિકિટ માગી છે તો ભાજપ પોતાના ચારથી વધુ સાંસદોને ટિકિટ આપી શકે છે. ભાજપ રાજ્ય સભાના સાંસદોના સહારે જીતની આશા પર છે. તો કોંગ્રેસમાં હાલ પૂર્વ 15 સાંસદો માથાનો દુખાવો બન્યા છે. ખાસ વાત એ છે કે, કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીમાં 15 હજારથી વધુ મતથી હારેલા સાંસદોએ પણ ટિકિટ માગી છે.
જ્યારે દલિત નેતા અને રાજ્યસભાના સાંસદ શંભુપ્રસાદ ટુંડિયાને પણ સુરેન્દ્રનગરની એક બેઠક પરથી ટિકિટ અપાય તેવી શક્યતા છે.
ભાજપમાંથી રાજ્યસભાના સાંસદ અને કોળી નેતા શંકરભાઈ વેગડને સુરેન્દ્રનગર વઢવાણ અથવા કોળી બહુમતી ધરાવતી સીટ પરથી લડાવાય તેવી સંભાવના છે. શંકરભાઈ પોતે સુરેન્દ્રનગરના રતનપરના વતની છે, જે વઢવાણ મત વિસ્તારમાં આવે છે, ત્યારે તેમને વર્ષાબેન દોશીની જગ્યાએ વઢવાણ સીટ પરથી લડાવાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયાએ સુરત શહેરની કોઈ બેઠક પરથી જંગમાં ઉતારાય તેવી શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે પૂર્વ સાંસદ હરીન પાઠકે મણિનગર બેઠક પરથી જંગમાં ઉતરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.