કોંગ્રેસ બંધના એલાન વચ્ચે અમદાવાદ, વડોદરામાં બસોના કાચ તોડ્યા અને રસ્તાઓ પર ટાયર સળગાવ્યા, જાણો વિગત
અમદાવાદના શાહપુર ખાતે હલિમની ખડકી પાસે ભારત બંધને પગલે બે સીટીબસના કાચ તોડવામાં આવ્યા છે. કોઈ અજાણ્યા લોકોએ બસના કાચમાં તોડફોડ કરી છે. અમદાવાદમાં સોમવારે ભારત બંધના પગલે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે.
કોંગ્રેસના બંધને પગલે વડોદરામાં મોડીરાત્રે કારેલીબાગ રાત્રી બજાર પાસે ટાયરો સળગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં સીટી બસ અને એસટી બસોના કાચ પણ તોડવામાં આવ્યા હતાં. રાત્રે જ બંધના પગલાં પડતા પોલીસ એલર્ટ જોવા મળી હતી.
ભારત બંધના પગલે અરવલ્લી ખાતે ભિલોડા-વિજયનગર રોડ પર ટાયર સળગાવવામાં આવ્યા છે. ભિલોડાના ભેટાજી, શામળાજી પાસે ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરોએ રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા. ટોળાએ ટ્રાફિક બ્લોક કરવાનો પ્રયાસ કરતા પોલીસ ટ્રાફિક ક્લિયર કામમાં લાગી હતી.
અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન જાહેર કર્યું છે. ભારત બંધના એલાન દરમિયાન તોફાની તત્વોએ સરકારી મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું. ભારત બંધને પગલે અમદાવાદ અને વડોદરામાં સીટી બસો અને એસટી બસોના કાચ તોડવામાં આવ્યા હતાં તો અનેક જગ્યાએ રસ્તાઓ પર ટાયરો સળગાવીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.