બાવળીયા નાયબ મુખ્યમંત્રી બનશે તો કોનું પત્તું કપાશે? જાણો શું ચાલી રહી છે ચર્ચા?
સૌરાષ્ટ્રના એક અગ્રણી સાંધ્ય દૈનિકના અહેવાલ પ્રમાણે કુંવરજી બાવળીયાને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવાશે. કુંવરજી બાવળીયાને શનિવારે જ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઇ છે.
અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક આવી શકે તેવી એક ઘટનામાં હાલમાં જ જસદણ પેટા ચૂંટણીમાં જીત મેળવનારા ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમોશન મળવાની શક્યતા છે.
ભાજપ લોકસભાની ચૂંટણી માટે પાટીદાર અને કોળી કાર્ડ રમીને કોંગ્રેસને મ્હાત આપવા માગે છે, એવી પણ ચર્ચા ચાલી રહી છે. રૂપાણી પણ સૌરાષ્ટ્રના હોવાથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને એક વિસ્તારના હોય તો અન્ય વિસ્તારમાં અસંતોષ ફેલાય, આ કારણે બાવળીયાને પ્રમોટ કરવા રૂપાણીનો ભોગ લેવાય જશે એવી ચર્ચા ભાજપમાં જ ચાલી રહી છે.
બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, રૂપાણીને રવાના કરીને નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવાશે અને બાવળીયાને નાયબ મુખ્યમંત્રી બનાવાશે.
આ અહેવાલના પગલે બાવળીયા નાયબ મુખ્યમંત્રી બનાવાય તો કોનું પત્તુ કપાશે, એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે. એક વાત એવી છે કે, બાવળીયાને પ્રમોટ કરવા નીતિન પટેલનું પત્તુ કાપી દેવાશે.
વર્તમાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને 2019ની લોકસભાની ચૂંટણી લડાવી દિલ્હી મોકલાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.