ગુજરાત વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલઃ ભાજપ-કોંગ્રેસને કેટલી -કેટલી બેઠકો મળી રહી છે?
દક્ષિણ ગુજરાતમાં પણ ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. એબીપી અસ્મિતા અને સીડીસીએસના એક્ઝિટ પોલ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભાજપને 24 બેઠકો,જ્યારે કોંગ્રેસને 11 બેઠકો મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપને 52 ટકા મત, કોંગ્રેસને 40 ટકા અને અન્યને 8 ટકા મત મળી રહ્યા છે.
ઉત્તર ગુજરાતની 53 બેઠકો પર મતદાન યોજાયું હતું. ત્યારે એબીપી અસ્મિતા અને સીડીસીએસના એક્ઝિટ પોલ પ્રમાણે ઉત્તર ગુજરાતમાં ભાજપને જીત મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં ભાજપને 32થી 36 બેઠકો મળી રહી છે. જ્યારે કોંગ્રેસને 16થી 22 બેઠકો મળી રહી છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટેનું બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પહેલા તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન યોજાયું હતું. એબીપી અસ્મિતા અને સીડીસીએસના એક્ઝિટ પોલ પ્રમાણે 182 બેઠકોમાંથી ભાજપને 117 બેઠક, કોંગ્રેસને 64 અને અન્યને 1 બેઠક મળી રહી છે. એક્ઝિટ પોલના સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ચાર ઝોનના આંકડા આવી ગયા છે.
ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠક પર મતદાન યોજાયું હતું. આ બેઠકોમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પર મતદાન યોજાયું હતું. એબીપી અસ્મિતા અને સીડીસીએસના એક્ઝિટ પોલ પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. ભાજપને 34 અને કોંગ્રેસને 19, જ્યારે અન્યને 1 બેઠક મળી રહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં એબીપી અસ્મિતાના એક્ઝિટ પોલ પ્રમાણે 40 બેઠકોમાંથી 24 ભાજપ અને 16 બેઠક કોંગ્રેસને મળી રહી છે.