પાંચ મહાનગરોમાં સરકારી જમીન પર મકાન બાંધનારાને લોટરી, તેમના બાંધકામ થશે કાયદેસર
આ અંગે નક્કી થયેલા દર પ્રમાણે 25 ચોરસ મીટર સુધી માટે પ્રવર્તમાન જંત્રીના 10 ટકાથી માંડી 251 ચોરસ મીટર થી વધુ માટે જંત્રીના 100 ટકા ભરવા પડશે. આ રકમ પ્રવર્તમાન બજાર કિંમત કરતા ઘણી ઓછી છે અને આવા લાભાર્થીઓ ને બજારકિંમતથી ખૂબ નીચા ભાવે તેમનો જમીન ભોગવટો કાયદેસર થશે.
ગાંધીનગરઃ આજે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લઈને શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ સરકાર હસ્તકની રાજ્યનાં પાંચ મહાનગરોમાં આવેલી 33 લાખ 88 હજાર 375 ચોરસ મીટર જમીન પરના રહેણાકના દબાણ ભોગવટા ને કાયદેસર કરવા નિર્ણય કર્યો હતો. આ પાંચ મહાનગરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે.
આ અંગેનો વટહુકમ કેબિનેટમાં પસાર કરાયો હતો. સરકારના નિર્ણયની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અરજદાર રહેણાંકના ભોગવટાને પ્રવર્તમાન જંત્રીના નિયત ટકાવારી મુજબ કબજા હક્કની રકમ ચૂકવી જમીનનો પ્લોટ કાયદેસર કરી શકશે.
તેમણે ઉમેર્યું કે, વટહુકમ અમલમાં લાવવાનું નોટિફિકેશન બહાર પડ્યેથી ત્રણ મહિનાની અંદર લાભાર્થીઓએ નિયત નમૂનામાં જરૂરી આધાર પુરાવા અને ડિપોઝીટ સહિત અરજી કરવાની રહેશે. આવી કાયદેસર થયેલી જમીન પરનું રહેણાક 15 વર્ષ સુધી વેચી શકાશે નહીં.
તેમણે ઉમેર્યું કે, આ નિર્ણયથી 75 હજારથી વધુ પરિવારોને લાભ થશે અને ફક્ત રહેઠાણના ઉપયોગની જમીન ને કાયદેસર કરાશે. રાજ્યપાલની મંજૂરી બાદ વટહુકમ અમલમાં આવશે. વટહુકમની મહત્વની જોગવાઈ મુજબ જાન્યુઆરી 2011 કે તે પહેલાંથી બાંધકામવાળી જમીન ઉપર ભોગવટો ધરાવનાર વ્યક્તિ ભોગવટો કાયદેસર કરવા અરજી કરી શકશે.