હાર્દિકે ચર્ચા મુદ્દે પાટીદારોનો માંગ્યો અભિપ્રાય, ક્યા ચાર મુદ્દે લોકોને ‘હા’ કે ‘ના’માં જવાબ આપવા કરી અપીલ ? જાણો
હાર્દિકે તેના ફેસબુક પેજ પર ચાર સવાલો મૂકીને લોકોના અભિપ્રાય માગ્યા છે. તેણે ‘ગુજરાત ભાજપ સરકાર સાથે ચર્ચાના મુદ્દા, આપ સહમત છો ? ’ એવો સવાલ કરીને ‘હા’ કે ‘ના’ એવો જવાબ માંગ્યો છે. સાથે સાથે હાર્દિક પટેલે ભાજપ સરકાર ચર્ચા માટેના ચાર મુદ્દા પણ આ પેજ પર મૂક્યા છે.
હાર્દિકે ચીમકી આપી છે કે તેમનું આંદોલન પાટીદાર સમાજના હિત માટે છે અને સમાજને તોડવા કે લોલીપોપ આપવાનો પ્રયાશ થશે તો જાન્યુઆરીમાં દંગલ ખેલાશે. હાર્દિકને હાઈકોર્ટે જામીન આપતી વખતે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરત લાદી છે તે આવતા મહિને પૂરી થાય છે.
આ ચર્ચા બાદ પાસના 11 કન્વીનરની ટીમ રચાશે અને આ ટીમ સરકાર સાથે ચર્ચા કરશે. હાર્દિકે સ્પષ્ટતા કરી છે તે પાટીદાર અનામત આંદોલન સમિતિની પ્રાથમિકતા સમાજને અનામત નો લાભ મળે તે છે અને સરકાર સાથે પાટીદારોને અનામત તથા પોલીસ દમનના મુદ્દા પર ચર્ચા થશે.
હાર્દિકે સરકારના નિમંત્રણના જવાબમાં તેના ફેસબુક પેજ પર સરકારને ચીમકી આપી છે અને સાથે સાથે ચાર મુદ્દે પાટીદારોનો અભિપ્રાય પણ માગ્યો છે. હાર્દિકે જાહેરાત કરી છે કે સરકાર સાથે ચર્ચાના મુદ્દે આવતા બે દિવસમાં તમામ કન્વીનર સાથે મિટિંગ માં ચર્ચા કરવામાં આવશે.
આ ચાર મુદ્દામાં પાટીદારોને બંધારણીય અનામત આપો, શહીદ પાટીદાર ભાઈઓને આર્થિક સહાય આપો, દોષિત પોલીસને સસ્પેન્ડ કરો અને પાટીદાર આયોગ એ મુદ્દાઓનો સમાવેશ થાય છે. હાર્દિક પટેલના આ મેસેજ સામે પાટીદારોનો પ્રતિભાવ શું રહે છે તે જોવાનું રહે છે.
અમદાવાદઃ ગુજરાત સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદાર અનામતના મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના આગેવાનો સાથે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે અને પાસના કન્વિનર હાર્દિક પટેલે તેનો સ્વીકાર કરતાં પાટીદાર અનામતનો મામલો ફરી ચર્ચામાં છે.