મહેશ શાહને ‘VIP ગેસ્ટ’ જેવી ટ્રીટમેન્ટ, રાત્રે જમાડીને સૂવાડી દીધો, વહેલી સવારે ચા-નાસ્તો કરાવી ઘરે મોકલી દીધો
ગઈકાલે સાંજે મહેશ શાહની અટકાયત બાદ 8.45 વાગ્યે ઈન્કમટેક્ષની ઓફિસમાં પૂછપરછ શરૂ કરાઈ હતી. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મહેશ શાહને દવાથી લઈને તમામ પ્રકારની જરૂરિયાતની વસ્તુઓ અપાઈ હતી. મહેશ શાહને ઈન્કમટેક્સ વિભાગે જમાડ્યો હતો અને એ પછી તેની પૂછપરછ કરાઈ હતી.
અમદાવાદ: ઈન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ (આઈડીએસ) હેઠળ રૂપિયા 13,860 કરોડનું કાળુ નાણું જાહેર કરીને રહસ્યમય રીતે ભૂગર્ભમાં ઉતરી ગયેલા અમદાવાદના મહેશ શાહે શનિવારે મીડિયા સામે હાજર થઈને લોકોને આંચકો આપ્યો હતો. રવિવારે સવારે આવકવેરા વિભાગે તેના કરતાં પણ મોટો આંચકો લોકોને આપી દીધો.
મહેશ શાહને અપાઈ રહેલી વીઆઈપી ટ્રીટમેન્ટના કારણે આવકવેરા વિભાગ પોતે શંકાના દાયરામાં આવી ગયો છે. આ રીતે સરકારી તંત્રને ઉંધા પાટે ચડાવનારી વ્યક્તિને શા માટે આટલી સરળતાથી જવા દેવાયો તેનો કોઈ ખુલાસો આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારી કરી શક્યા નથી એ પણ નોંધવા જેવી બાબત છે.
મોદીએ કહ્યું કે મહેશ શાહે તપાસમાં સહયોગ આપતાં સવારે તેમને જવા દેવાયા છે. આવકવેરા વિભાગનાં સૂત્રોએ જણાવ્યું કે મહેશ શાહને વહેલી સવારે ચા-નાસ્તો પણ કરાવાયાં હતાં. આઘાતજનક વાત એ છે કે આવકવેરા વિભાગે મીડિયાને ખબર ના પડે એ રીતે વહેલી સવારે ગૂપચૂપ મહેશ શાહને રવાના કરી દીધો હતો.
વધારે આઘાતજનક વાત એ છે કે મોદીએ સ્વીકાર્યું હતું કે મહેશ શાહ ક્યાં ગયા છે તેની ખબર નથી, પરંતુ આવતીકાલે સવારે તે ફરીથી આઈટીની ઓફિસે આવશે. આયલો મોટો વિવાદ જગાવનારી વ્યક્તિને આટલી સરળતાથી જવા દેવાયો અને તેના પર કોઈ નજર નથી રખાઈ રહી તેના કારણે લોકોને આઘાત લાગ્યો છે.
અઢી કલાકની પૂછપરછ બાદ મહેશ શાહ સૂઈ ગયો હતો. મોડી રાત્રે ઉઠ્યા બાદ ફરીથી તેની પૂછપરછ કરાઈ હતી. આ પૂછપરછ બહુ થોડો સમય ચાલી હતી. પૂછપરછ અંગે ડિરેક્ટર ઓફ ઈન્વેસ્ટીગેશન ઓફિસર પી. સી. મોદીએ કહ્યું હતું કે, ગઈકાલની પૂછપરછ માત્ર મહેશ શાહ પૂરતી હતી, તેના ઈડીના અધિકારીઓ નહોતા જોડાયા.