અમદાવાદઃ બહેનના ભાવેશ સાથેના પ્રેમસંબંધની ભાઈને થઈ ગઈ જાણ, જાણો શું આવ્યો કરુણ અંજામ?

અમદાવાદ: વાસણાના ગુપ્તાનગરમાં ભાઇએ પોતાની બહેનના પ્રેમીને માથામાં બેઝબોલના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવકની હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે પોલીસે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મરનાર ભાવેશના પિતાએ વેજલપુર પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મરનાર ભાવેશને હુમલો કરનાર શખ્સ ભાવેશ દીપાની બહેન સાથે પ્રેમસબંધ હતા અને આ વાતને લઇ વિનોદ નારાજ હતો. છેલ્લા કેટલાય સમયથી વિનોદ કાવતરૂ કરીને ભાવેશ પર હુમલો કરવાની ફિરાકમાં હતો અને તક મળતાં તેણે ભાવેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
જીવલેણ ફટકાઓના કારણે ભાવેશ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ જમીન પર ફસડાઇ પડ્યો હતો. બીજી તરફ વિનોદ દીપા હુમલો કરી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ગંભીર રીતે ઘાયલ ભાવેશ મારવાડીને વી.એસ.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે, શહેરના બહેરામપુરાની સાકરચંદની ચાલી ખાતે રહેતા બેજુભાઇ મારવાડીનો પુત્ર ભાવેશ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે લગ્નમાં જવાનું કહી ભાવેશ તેના મિત્રો સાથે નીકળ્યો હતો અને વાસણાના ગુપ્તાનગર ખાતે ઉભો હતો. દરમિયાન અચાનક જ સોમેશ્વરનગર ખાતે રહેતો વિનોદ મોકાજી દીપા ત્યાં આવ્યો હતો અને તેણે બેઝબોલ વડે ભાવેશના માથામાં ઉપરાઉપરી ફટકા ઝીંકી દીધા હતા.